સાઉદી અરેબિયાનો નવો શાહી ફરમાનઃક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન નવા વડાપ્રધાન બનશે
દિલ્હી:ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.સુલતાન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદે ગઈકાલે એક શાહી ફરમાન જારી કરીને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે શાહી આદેશમાં વિદેશ અને ઉર્જા સહિત અનેક મંત્રાલયોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અથવા MBS, જેઓ ઘણા વર્ષોથી દેશના વાસ્તવિક શાસક છે, અગાઉ સુલતાન સલમાન હેઠળ નાયબ વડાપ્રધાન અને રક્ષામંત્રી તરીકે સેવા આપી હતી. હવે તેમના નાના ભાઈ ખાલિદ બિન સલમાનને નવા રક્ષામંત્રી તરીકે લાવવામાં આવ્યા છે, જે અગાઉ નાયબ રક્ષામંત્રી હતા.
શાહી ફરમાન મુજબ સુલતાનના બીજા પુત્ર પ્રિન્સ ખાલિદ બિન સલમાનને નવા સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. નવા મંત્રીમંડળમાં ફેરફારમાં, યુસુફ બિન અબ્દુલ્લા બિન મોહમ્મદ અલ-બનયાનને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સત્તાવાર સાઉદી પ્રેસ એજન્સી દ્વારા પ્રકાશિત સુલતાન સલમાન દ્વારા બહાર પાડવામાં આવેલા શાહી ફરમાન અનુસાર, આંતરિક, વિદેશ અને ઊર્જા સહિત અન્ય મહત્વપૂર્ણ મંત્રાલયોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
નવા આદેશ હેઠળ જે મંત્રીઓના હોદ્દા પર ફેરબદલ કરવામાં આવી નથી તેમાં ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલાઝીઝ બિન સલમાન, આંતરિક મંત્રી પ્રિન્સ અબ્દુલાઝીઝ બિન સાઉદ બિન નાયેફ બિન અબ્દુલાઝીઝ, વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ, નિવેશ મંત્રી ખાલેદ અલ-ફલીહ અને નાણા મંત્રી મોહમ્મદ અલ જદાનંદનો સમાવેશ થાય છે.