ગાંધીનગરઃ ગુજરાતના વહિવટી તંત્રમાં પણ હવે કામગીરી પેપરલેસને સ્થાને ટેકનોલોજીનો ઉપયાગ વધારવામાં આવી રહ્યો છે. જાહેર સેવા મોટાભાગે ઓનલાઈન બાનવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભા પણ ડિજિટલ બનાવીને પેપરલેસ કરવાનું આયોજન કરાયું છે. હાલ વિધાનસભાના દરેક કાર્યેા હાલ કાગળ પર થઈ રહ્યા છે તે બધા જ હવે પેપરલેસ બનશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમા આચાર્યના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં ઈ–ગુજરાત વિધાનસભા પણ વર્ષ 2024 સુધીમાં પેપરલેસ બનીને પોતાનું યોગદાન આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રાલયના નિર્દેશનમાં દેશભરમાં લોકસભા, રાજ્યસભા, રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદોની કામગીરીને પેપરલેસ બનાવવામાં આવશે. જેના માટે સિંગલ પ્લેટફોર્મ પર ડિજિટલ નેશનલ ઈ–વિધાન એપ્લિકેશન (નેવા) પોર્ટલ સાથે જોડવામાં આવશે આથી આ વર્ષે ચૂંટણી પછી ચૂંટાયેલા ધારાસભ્યોને પ્રથમવાર પેપરલેસ પ્રક્રિયામાં જોડાવાનો અનુભવ થશે. નેવા પોર્ટલ વિધાનસભા સદનની પેપરલેસ અને સૂચનાઓના ડિજિટલ આદાન–પ્રદાન માટે જે જરૂરી છે, તે દરેક પ્રક્રિયા કરશે તે અંતર્ગત રોજીંદા કામકાજના કાગળો, દરેક પ્રકારના પ્રશ્નો, સૂચનાઓની રજૂઆત અને રિપોર્ટને ડિજિટલ રૂપે રાખવામાં આવશે. ત્યારબાદ આ ક્ષેત્રોના કાર્યેામાં સુધારો પણ લાવવામાં આવશે. ડિજિટલ લાઈબ્રેરી, અભિલેખાગાર, ઈ–મત વિસ્તાર, ફરિયાદ નિવારણ કેન્દ્રની મહત્વપૂર્ણ જરૂરિયાત માટે પણ સુધારાઓ કરવામાં આવશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રાલય તથા રાજ્ય સરકાર તરફથી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા રાજ્ય વિધાનસભા સાથે મળીને આ સીસ્ટમને લાગુ કરાશે. કેન્દ્ર તેમાં 60 ટકા અને ગુજરાત સરકાર 40 ટકા ખર્ચ કરશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ઈ–વિધાનસભા માટે અંદાજિત 13થી 15 કરોડ રૂપિયાનો પ્રોજેકટ મંજૂર કરાયો છે. હાલમાં કાગળ પર ઉપલબ્ધ દરેક કાર્ય નેવા પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્યારે એક હજાર દસ્તાવેજ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં સંપૂર્ણ કાર્ય આ જ પોર્ટલ પર ઉપલબ્ધ હશે. ધારાસભ્યો માટે સિકયોર લોગ ઈન સુવિધા પણ ઉપલબ્ધ થશે. જેથી તે પોતાના દસ્તાવેજ જોઈ શકે. એક રિપોર્ટ માટે 30 હજાર કાગળની જરૂર પડે છે. વિધાનસભામાં સોફટ કોપી અને કાગળ પર પણ દસ્તાવેજો લઈ શકાશે.