બાળકોને વાહન ચલાવવા આપતા પહેલા માતા પિતાએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
આજકાલના સમયમાં જો નાની ઉંમરમાં બાળક વાહન ફેરવે કે મોબાઈલ ફોનમાં યુટ્યુબ ચલાવે તો માતા પિતા આ બાબતે ગર્વ લેતા હોય છે પરંતુ તેમને જાણ હોતી નથી કે આ પ્રકારની ભૂલોથી એક સમયે રોવાનો સમય પણ આવી શકે છે અને એવો આવે કે આંખ કરતા આંસુ મોટા હોય. આવામાં જો વાત કરવામાં આવે બાળકો જ્યારે વાહન ચલાવે ત્યારની તો દરેક માતા પિતાને આ વાતની ખબર હોવી જોઈએ.
સૌથી પહેલી વાત કે જો કોઈ બાળક જેની ઉંમર 18 વર્ષ ન થઈ હોય અને જો તે વાહન ચલાવતા પકડાય અને તેની પાસે લર્નિંગ લાયસન્સ પણ ન હોય, તો મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 199A હેઠળ જેના નામે વાહન નોંધાયેલ છે, તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે.
મોટર વાહન અધિનિયમ મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક માન્ય લાયસન્સ વિના 50cc કરતાં વધુ એન્જિનવાળું વાહન ન ચલાવી શકે. જો વાહનના એન્જિનની પાવર કેપેસિટી 50ccથી વધુ હોય તો તેની પાસે લર્નિંગ લાયસન્સ હોવું જરૂરી છે. તે જ સમયે, કોઈપણ 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ચલાવી શકે છે. આના માટે કોઈપણ પ્રકારના લાયસન્સ કે રજીસ્ટ્રેશનની જરૂર નથી, પરંતુ જો બાળક ખૂબ નાનું હોય અને વાહન ચલાવી શકતું ન હોય, તો તે માતા-પિતાની જવાબદારી બને છે કે, તે બાળકની સલામતી તેમજ અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખે. જ્યાં સુધી બાળક કાયદા દ્વારા નિર્ધારિત વય મર્યાદાને ઓળંગી ન જાય ત્યાં સુધી તેને વાહન ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં