વિપુલ ચૌધરીના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાની મહેસાણામાં મહાસભા યોજાશે
મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ઉત્તર ગુજરાતના સહકારી અગ્રણી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ભૂતકાળના કૌભાંડને લીધે ધરપકડ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ કેસમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા અને પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાનું પણ તપાસમાં નામ ખુલતા મહેસાણા કોર્ટે બંનેને 6 ઓક્ટોબરે સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. જેથી હવે અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલા 6 ઓક્ટોબરે મહેસાણામાં સાક્ષી હુકાંર મહાસભા યોજશે. બંને દિગ્ગજ નેતાઓના નામ ખુલતા બંને એક પક્ષમાં ના હોવા છતાં સાથે મળીને 6 ઠ્ઠી ઓક્ટોબરે મહેસાણામાં મહાસભા યોજાશે. આ મહાસભામાં વિપુલ ચૌધરીના સમર્થકો સહિત હજારો લોકો હાજર રહેશે.
ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજનું સારૂએવું વર્ચસ્વ છે. ત્યારે મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી વિપુલ ચૌધરીની તેમના કાર્યકાળ દરમિયાન ડેરીના કૌભાંડ અગે એસીબીએ ધરપકડ કરી હતી. આથી વિપુલ ચૌધરી સમર્થિત અર્બુદા સેના મેદાનમાં આવી હતી. દરમિયાન એસીબીએ તપાસ અહેવાલ કોર્ટને સબમિટ કર્યો હતો જેમાં વિપુલ ચૌધરીની જે તે સમયે ભલામણ કરવામા આવતા અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલાને કોર્ટે સાક્ષી તરીકે 6 ઓક્ટોબરે હાજર રહેવા સમન્સ આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું વિપુલ ચૌધરી સામે ડેરી અંગે જે કોઈપણ કેસ હોય તો કાયદા પ્રમાણે કામ થવું જોઈએ. વિપુલ ચૌધરીની ભલામણ કેમ કરી તે અંગે અમારી પાસે ખુલાસો માંગવામાં આવશે તો અમે ખુલાસો આપીશું. ભલામણ કરવી કોઈ ગુનો નથી. કિન્નખોરીથી ડબલ એન્જીન સરકાર અમને હેરાન કરવાનું નક્કી કર્યું છે.
અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા અમને સમન્સ પાઠવવામાં આવ્યું છે તેનો જવાબ અમે જરૂરીથી આપીશું. વિપુલ ચૌધરી ચૂંટણી સમયે શરણાગતિ સ્વીકારતા નહોતા એટલે જેલમાં ગયા છે. સુરેન્દ્રનગરમાં સુર સાગર ડેરી અને બીજી ડેરીઓ કમલમમાં ભોગ ધરે છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી મામલે સંકેત આપતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે આતુરતાનો અંત જલ્દી આવશે. હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે.અમારા પ્રદેશના નેતાઓની લાગણી પણ છે કે બાપુ ફરીથી કોંગ્રેસમાં જોડાય.