અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અસત્ય ઉપર સત્યના વિજય સમાન દશેરા પર્વની આજે ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે શસ્ત્ર પૂજન કરીને રાજ્યની જનતાને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ રાજ્યની પ્રજાને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનની પરંપરા હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે. આજે વિજયાદશમીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું.
તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. મુખ્યમંત્રી સુરક્ષાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ મુખ્યમંત્રીને આ પ્રસંગે આવકાર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વિજયાદશમીનું આ પર્વ સદભાવના-સમરસતા સૌહાર્દ, આપસી પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડનારૂં પર્વ બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.