નવી દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એક મેગા જાહેર રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીં. આ સિવાય તેમના કાર્યક્રમ પર વાત કરતા તેમણે કહ્યું કે, જ્યારે અહીં રેલી યોજવાની યોજના બનાવવામાં આવી હતી ત્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે બારામુલાનો કાર્યક્રમ સાંભળવા કોણ આવશે. હું આજે તેમને કહેવા માંગુ છું કે આ કાર્યક્રમમાં કાશ્મીરની આ સુંદર ઘાટીમાં હજારો લોકો વિકાસની ગાથા સાંભળવા અને મોદીને સમર્થન આપવા માટે અહીં હાજર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, જે વિસ્તાર પહેલા આતંકવાદી હોટસ્પોટ હતો તે હવે ટુરીઝમ હોટસ્પોટ છે. જમ્મુ-કાશ્મીરમાં વધતા પર્યટનથી અહીંના ઘણા યુવાનોને રોજગાર મળ્યો છે. પીએમ મોદીના વખાણ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, “છેલ્લા 70 વર્ષથી મુફ્તી એન્ડ કંપની, અબ્દુલ્લાનો પુત્ર અહીં સત્તામાં હતા પરંતુ તેણે 1 લાખ બેઘર લોકોને આવાસ આપ્યા નથી.” મોદીએ 2014-2022 વચ્ચે આ 1 લાખ લોકોને ઘર આપ્યા.
ગૃહમંત્રીએ કહ્યું કે, મોદીનું શાસન મોડલ વિકાસ અને રોજગાર લાવે છે. જ્યારે ગુપકર મોડલ યુવાનોના હાથમાં પથ્થરો અને બંદૂકો આપે છે. મોદીના મોડલ અને ગુપકરના મોડલમાં ઘણો તફાવત છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, મતદાર યાદી તૈયાર કરવાનું કામ પૂર્ણ થતાં જ જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી યોજાશે.
અમિત શાહે કહ્યું કે, થોડા દિવસો પહેલા મેં મહેબૂબા મુફ્તીનું એક ટ્વીટ વાંચ્યું હતું કે ગૃહમંત્રી આપ આવી રહ્યાં છે તો હિસાબ આપીને જજો કે કાશ્મીરને શું આપ્યું છે. અમે જમ્મુ-કાશ્મીરને શું આપ્યું છે તેનો હિસાબ આપું છું, પરંતુ દાયકાઓ સુધી ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીર પર શાસન કર્યું, તેઓએ શું આપ્યું, તેનો હિસાબ પણ તેમને આપવો પડશે.
તેમણે કહ્યું કે, મોદીજીએ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ કામ જમ્હૂરિયતને ગામડા સુધી પહોંચાડવાનું કર્યું છે. અગાઉ કાશ્મીરમાં જમ્હૂરિયતની વ્યાખ્યા ત્રણ પરિવારો, 87 ધારાસભ્યો અને 6 સાંસદોની હતી. 5 ઓગસ્ટ પછી, મોદીએ જમ્હૂરિયતને જમ્મુ-કાશ્મીરમાં જમીન પર, ગામડા સુધી લઈ જવાનું કામ કર્યું છે. આજે ખીણ અને જમ્મુ-કાશ્મીરમાં 30 હજારથી વધુ લોકો પંચાયતો, તહસીલ પંચાયતોનું નેતૃત્વ કરી રહ્યા છે.