પહેલાની સરકારો વિવિધ પ્રોજેક્ટોના શિલાન્યાસ કર્યા પછી ચૂંટણી બાદ ભૂલી જતી હતીઃ PM મોદી
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના લોકોને 3,650 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સ ભેટ આપ્યાં હતા. સૌ પ્રથમ, રૂ. 1,470 કરોડથી વધુના ખર્ચે બનેલ AIIMSનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક સુરક્ષા પેન્શન માટે સીએમ જયરામ ઠાકુરની પ્રશંસા કરી હતી. પીએમે કહ્યું કે હિમાચલ દેશનું પહેલું રાજ્ય છે જેણે ડ્રોન પોલિસી બનાવી છે. આવનારા સમયમાં લોકોને આનો ઘણો ફાયદો થશે. બટાકા, ફળોને ડ્રોન દ્વારા ઉપાડી મોટા માર્કેટમાં લઈ જઈ શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહાડી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરીને કહ્યું હતું કે, જય મા નૈના દેવિયા રી, જય બજીયે બાબયે રી. આજ મિંજો દશેરા રે મા નૈના દેવિયા રા આશીર્વાદ લેને દા મોકો આ પવિત્ર અવસર પર મળ્યો. રાજ્ય હજુ પણ આરોગ્ય સુવિધાઓ માટે IGMC અને ટાંડા પર નિર્ભર હતું. સેન્ટ્રલ યુનિવર્સિટી, IIM, IIT, IIIT અને હવે AIIMS હિમાચલને ગૌરવ અપાવી રહી છે. અગાઉની સરકાર શિલાન્યાસ કરતી હતી અને ચૂંટણી પછી ભૂલી જતી હતી. અટકવાનો, લટકવાનો અને ભટકવાનો સમય ગયો. ઉના નજીક રેલ્વે લાઇન નાખવાની હતી. હું સમીક્ષા કરી રહ્યો હતો અને જોયું કે નિર્ણય 35 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. હું હિમાચલનો દીકરો છું, હિમાચલને કેવી રીતે ભૂલી શકું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બલ્ક ડ્રગ પાર્કમાં માત્ર ત્રણ રાજ્યો છે અને તેમાં હિમાચલની પસંદગી કરવામાં આવી છે. હિમાચલ વીરોની ભૂમિ છે, મેં અહીંની રોટલી ખાધી છે, મારે અહીંનું દેવું ચૂકવવું પડશે. આજે મેડિકલ ટુરિઝમનો યુગ છે. હિમાચલમાં મેડિકલ ટુરિઝમની અપાર સંભાવનાઓ છે. જ્યારે લોકો વિદેશથી સારવાર માટે હિમાચલ આવશે તો સ્વસ્થ થઈને જશે અને અહીંની સુંદર ખીણો પણ જોશે. હિમાચલના બંને હાથમાં લાડુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અગાઉની સરકાર વિકૃત વિચારસરણી ધરાવતી હતી. સારા રસ્તા, સારી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ઉદ્યોગો માત્ર દિલ્હી અને મોટા શહેરોમાં જ હશે. આ વિચારસરણીને કારણે દેશમાં વિકાસમાં અસંતુલન જોવા મળ્યું. હવે દેશ આધુનિક વિચારસરણી સાથે આગળ વધી રહ્યો છે.