અમદાવાદઃ ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને ગુરૂવારે સવારે અગિયારની આસપાસ અમદાવાદના વટવા નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. ત્યારે આ જ ટ્રેનને રખડતા ઢોરોનો ત્રાસ નડ્યો હતો. ટ્રેન વચ્ચે 4 ભેંસ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. થોડા સમય પછી ટ્રેન ફરી કાર્યરત કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર-મુંબઈ વચ્ચે દાડતી વંદે ભારત ટ્રેનને વટવા નજીક 11 વાગ્યા આસપાસના સમયે અકસ્માત નડ્યો હતો. ટ્રેન વટવા તરફ જઈ રહી હતી. ત્યારે ટ્રેક પર ચાર ભેંસો આવી ગઈ હતી. ટ્રેન સ્પીડમાં હતી. એક સામટી બ્રેક લગાવી શકાય તેમ ન હતી. કેમ કે, એકી સાથે બ્રેક લગાવે તો ટ્રેન પાટા નીચે ઉતરી જાય. યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બ્રેક લગાવાઈ હતી, પરંતુ ત્યાં સુધી ભેંસો ટ્રેનના એન્જિન સાથે અથડાઈ ગઈ હતી. તેના લીધે થોડું પ્રોર્શન ડેમેજ થયું હતું, તેને રિપેર કરીને ટ્રેનને રવાના કરી દેવાઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વંદે ભારત સેમી હાઇ સ્પીડ પ્રીમિયમ ટ્રેનને ગુરૂવારે અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના એન્જિનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત બન્યો હતો. એન્જિનના આગળના હિસ્સાને રિપેર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી
દરમિયાન અમદાવાદના રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ વટવા નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના એન્જિન સાથે ભેંસ અથડાવવાની ઘટનાની જાણ છતાં રેલવે અધિકારીઓ દોડી ગયા હતા. ફુલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનને ત્વરિત રોકવી મુશ્કેવ હોય છે. જોકે ટ્રેનના ચાલકે ટ્રેનને રોકવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ફુલ સ્પીડમાં જતી ટ્રેનની અડફેટે બે ભેંસ આવી ગઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવાય છે. લીલીઝંડી બતાવ્યા બાદ તેમણે ગાંધીનગરથી કાલુપુર સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી.