ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર્સ વોર, કેજરીવાલને હિન્દુ વિરોધી દર્શાવતા લાગ્યા બનર્સ,
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દોઢ મહિનો બાકી રહ્યો છે. ત્યારે તમામ પક્ષોએ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. દરમિયાન આમ આદમી પાર્ટીના કેજરીવાલ તો હવે ગુજરાતમાં પડ્યા-પાથર્યા રહે છે. ત્યારે આમ આદમીના કેજરીવાલને હિન્દુ વિરોધી દર્શાવતા બેનર્સ અને પોસ્ટરો રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં ઠેર ઠેર લગાવાતા રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરામાં તો ભાજપ અને આપના કાર્યકર્તા વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. ત્યારે કેજરીવાલે વળતો પ્રહાર કર્યો હતો. કે, પોસ્ટરો લગાવીને ભગવાનનું અપમાન કર્યું છે. તમે કંસની ઓલાદ છો, જે ભગવાનનું અપમાન કરે છે, મારા પર હનુમાનજીની કૃપા છે, હું કટ્ટર ભક્ત છું. મારો જન્મ જન્માષ્ટમી દિવસે થયો હતો
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરામાં તિરંગા યાત્રા કાઢવાના હતા ત્યારે જ પોસ્ટર વોર શરૂ કરી દેવાયુ હતુ. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લગાવી દેવાયા છે. તાજેતરમાં દિલ્હીના આપના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ બાદ ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’ નું પોસ્ટરમાં લખાણ સાથેના બેનર્સે ગુજરાતમાં લગાવી દેવામાં આવ્યા છે. ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ બેનરો લાગ્યા છે. જેમાં ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’નું પોસ્ટરમાં લખાણ લખાયું છે. આ બેનર્સમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. અરવિંદ કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ’ તેવું લખવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેવું પણ કેટલાક બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એકતરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. ત્યારે કેજરીવાલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે. પોસ્ટરો લગાવીને ભગવાનનું અપમાન કર્યું છે. તમે કંસની ઓલાદ છો, જે ભગવાનનું અપમાન કરે છે, મારા પર હનુમાનજીની કૃપા છે, હું કટ્ટર ભક્ત છું. મારો જન્મ જન્માષ્ટમી દિવસે થયો હતો. ભગવાને મને કંસની ઔલાદોનો નાશ કરવા અને આ લોકોથી મુક્તિ અપાવવા મોકલ્યો છે. હવે જનતા પરિવર્તન માગે છે. મને ગમે તેવી નફરત કરો, પણ ભગવાનનું અપમાન કરશો તો ભગવાન નહીં છોડે.