અમદાવાદઃ દેશના નાગરિકોમાં આર.ટી.આઈ. અધિનિયમ વિશે સતર્કતા અને જાગૃતિ કેળવાય તે હેતુથી ભારત સરકાર દ્વારા દર વર્ષે તારીખ 5 થી 12 ઓક્ટોબર દરમિયાન આર.ટી.આઈ. સપ્તાહ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ દ્વારા આર.ટી.આઈ. જોગવાઈ અધિનિયમ વિશે જાગૃતિ લાવવા માટે ગાંધીનગરમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું.
આ વર્કશોપમાં મુખ્ય માહિતી કમિશ્નર અમૃત પટેલે જણાવ્યું હતું કે, આ કાયદો સામાન્ય નાગરિકને શિક્ષિત કરવા માટે છે. નાગરિકો જેટલા જાણકાર હશે તેટલા સરકારી વ્યવસ્થાથી માહિતગાર થશે. જેનાથી વહીવટી તંત્રની જવાબદારી વધશે અને તંત્ર જવાબદેહી સાથે કામ કરશે. આ કાયદાથી સરકારી કામગીરીમાં વધું પારદર્શિતા આવી છે જેનાથી નાગરિકોનો સરકાર પર વિશ્વાસ વધ્યો છે.
ગુજરાત માહિતી આયોગના સચિવ હેમાંગભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્ય માહિતી આયોગની સ્થાપનાને 17 વર્ષ પૂર્ણ થયા છે. લોકશાહી શાસનમાં સરકારી તંત્રની કામગીરીથી નાગરિકો વધું માહિતગાર થાય અને જાહેર સત્તામંડળોના વહીવટમાં પારદર્શિતા જળવાય તે હેતુસર માહિતી અધિકારનો આ અધિનિયમ અમલમાં મુકાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ અધિનિયમ હેઠળ પ્રાપ્ત અધિકાર હેઠળ અત્યાર સુધીમાં ગુજરાત માહિતી આયોગને રાજ્યભરમાંથી આશરે 42759 અરજદારો દ્વારા અંદાજે 1.52 લાખ જેટલી ફરિયાદો અને અન્ય અપીલો મળી હતી. જે પૈકીની અંદાજે 1.49 લાખ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ અપીલો અને ફરીયાદોના અભ્યાસ પરથી જણાય છે કે હવે નાગરિકો આ અધિનિયમનો વ્યાપક રીતે ઉપયોગ કરી રહ્યા છે.
આ વર્કશોપમાં આર.ટી.આઈ.અધિનિયમ વિશે વધુ જાણકારી મળે તે હેતુથી વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા વ્યાખ્યાનો યોજાયા હતા. જેમાં નિવૃત્ત મુખ્ય માહિતી કમિશ્નર વી.એસ. ગઢવીએ RTIની તકો અને પડકારો ઉપર તથા પ્રો-એક્ટીવ ડિસક્લોઝર વિષય ઉપર નિવૃત્ત અધિકારી એ.કે. ગણાત્રાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આર.ટી.આઈ. અધિનિયમ માટેના સુપ્રિમ કોર્ટ, હાઈ કોર્ટ, સેન્ટ્રલ ઈન્ફોરમેશન કમિશનના વિવિધ જજમેન્ટ્સ અંગે નિવૃત્ત નાયબ સચિવ સી.એસ. ઉપાધ્યાયે પોતાના વિચારો રજૂ કર્યા હતા.