નવી દિલ્હીઃ ક્રિકેટ મેચ દરમિયાન હરીફ ટીમના ખેલાડીઓ વચ્ચે સામાન્ય રકઝક થતી હોય છે પરંતુ સૈયદ મુશ્તાક અલી-ટી-20 ટૂર્નામેન્ટમાં બે ખેલાડીઓ સામ-સામે આવી ગયા હતા. તેમજ મામલો બિચક્યો હતો જેથી અન્ય ખેલાડીઓ અને એમ્પારે દરમિયાનગીરી કરીને મામલાને શાંત પાડવામાં આવ્યો હતો. આ બંને ખેલાડીઓ સામે બીસીસીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયસ મીડિયામાં વયરલ થયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સૈયદ મુશ્તાક અલી T20 ટૂર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે. ગ્રુપ ડીની મેચમાં સૌરાષ્ટ્ર અને બરોડાની ટીમ આમને-સામને હતી. આ મેચમાં મેદાન પર ઘણો ડ્રામા જોવા મળ્યો હતો. શેલ્ડન જેક્સન અને અંબાતી રાયડુ વચ્ચે તકરાર થઈ હતી. જેક્સન સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમી રહ્યો છે, જ્યારે રાયડુ બરોડા ટીમનો કેપ્ટન છે. આ ઘટના બની ત્યારે જેક્સન બેટિંગ કરી રહ્યો હતો.
મેચ દરમિયાન, નવમી ઓવરમાં, જેક્સન રાયડુ તરફ ગયો, જે કવર પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. વાસ્તવમાં, રાયડુએ મેચ દરમિયાન જેક્સનના કોઈપણ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી હતી, જેના કારણે જેક્સન ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો હતો. આ પછી રાયડુની અમ્પાયર સાથે ઝઘડો પણ થયો હતો. જેક્સન અને રાયડુ એકબીજાની એટલા નજીક આવી ગયા કે ખેલાડીઓ અને અમ્પાયરે દરમિયાનગીરી કરીને બંનેને દૂર ધકેલી દીધા હતા. કૃણાલ પંડ્યાએ રાયડુને પકડો હતો. તે જ સમયે, જેક્સન પણ તેની ક્રિઝ પર પાછો ફર્યો.
ઓન-એર કોમેન્ટેટર્સ અનુસાર, રાયડુ એ વાતથી નાખુશ હતો કે જેક્સન બોલનો સામનો કરવામાં ઘણો સમય લઈ રહ્યો હતો. રાયડુએ આના પર થોડી ટિપ્પણી કરી અને લડાઈ વધી ગઈ હતી. મેચની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બરોડાએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. બરોડા તરફથી મિતેશ પટેલે 35 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ સાથે જ વિષ્ણુ સોલંકીએ 33 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી.