બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે શુક્રવારે 176 મો પાટોત્સવ યોજાશે. જેમાં મારુતિ યજ્ઞ, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડશે. ગુરૂવાર સાંજથી મોટાપ્રમાણમાં દાદાના ભક્તો સાળંગપુર પહોંચી ગયા છે. અને આજે વહેલી સવારથી ઉત્સવનો પ્રારંભ થશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરના દર્શનાર્થે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ આવતા હોય છે. ત્યારે આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીની મંદિરની સ્થાપનાના 174 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે .જેને લઈને ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વહેલી સવારે દાદાની ભવ્ય શણગાર સાથે આરતી થશે, ત્યારબાદ ભવ્ય મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ હનુમાનજી દાદાના છડીનો અભિષેક તેમજ અન્નકૂટ સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ ખાસ હાજરી આપશે.અને મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.કાળી ચૌદસ પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે. દાદાની વિરાટ પ્રતિમાનું લોકાપર્ણ વડાપ્રધાન હસ્તે કરવામાં આવે તેવી શક્યતા છે. 30 હજાર કિલો વજન અને પંચધાતુની આ પ્રતિમા હરિયાણાના ગુરુગ્રામમાં બની રહી છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રતિમા સાળંગપુરની શોભા બનશે. મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લેશે. દાદાની આ વિશાળ પ્રતિમાથી સાળંગપુરની કાયાપલટ થશે. દાદાની પ્રતિમા સાળંગપુર આવતા 7 કિમી દૂરથી દેખાશે. પ્રતિમાના અંદરનું સ્ટ્રકચર સ્ટીલનું છે. જે ભૂકંપના મોટા ઝટકાની અસર થશે નહીં..બેઝ પર સાળંગપુર ધામના ઈતિહાસના દર્શન થશે.જયારે બેઝની વોલ પર દાદાનું જીવન ચરિત્ર દર્શાવતી મ્યુરલ કંડારાશે, 100 જેટલા શિલ્પીઓ દ્વારા તૈયાર થયેલી આ મૂર્તિને 1000 વર્ષ સુધી કોઈ નુકશાન ન થાય તે રીતે તૈયાર કરાવામાં આવી છે. આ પંચધાતુવાળી મૂર્તિમાં શિલ્પ શાસ્ત્ર અનુસાર સોનુ, ચાંદી, તાંબું, સીસું અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.(FILE PHOTO)