અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે પખવાડિયામાં જ જાહેર કરાશે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. એટલે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. બીજીબાજુ ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ ઉમેદવારો પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણીબધી બેઠકોના નામ જોહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા તેના સીટિંગ ધારાસભ્યોને ટિકિટ મળશે એવો ઈશારો કરી દીધો છે. જ્યારે ભાજપ દ્વારા પણ કોને ટિકિટ આપવી અને કોને ન આપવી તે અંગેનું મથંન કરવામાં આવી રહ્યુ છે. ભાજપમાં આ વખતે ઘણા સીટિંગ ધારાસભ્યને પડતા મુકવામાં આવે તેવી પણ શક્યતા છે. અને વિરોધ ઊભો થાય તો ડેમેજ કન્ટ્રોલની તૈયારીઓ પણ કરી લીધી છે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રધેશ અધ્યક્ષ સી.આર પાટિલને હાઈકમાન્ડનું તેડું આવતા બન્ને નેતાઓ દિલ્હીં પહોચી ગયા છે. એવું કહેવાય છે. ભાજપે કોને ટિકિટ આપવી તેનું આખરી લિસ્ટ તૈયાર કરી દીધુ છે. અને તેના પર ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારો નક્કી કરવા તાત્કાલિક મીટિંગ બોલાવી છે. અને બન્ને નેતાઓને દિલ્હીનું તેડું આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવા દિલ્હી રવાના થયા છે. હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે ગુજરાતની ચૂંટણીની જાહેરાત બાકી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન છે અને 8 ડિસેમ્બરે પરિણામ છે. 8 ડિસેમ્બરે જ ગુજરાત અને હિમાચલનાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ વચ્ચે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાઇકમાન્ડ સાથેની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દિલ્હીમાં હાઇકમાન્ડ સાથેની બેઠકમાં ગુજરાતના ચૂંટણી મુદ્દે ચર્ચા-વિચારણા કરશે, જેમાં જ્ઞાતિ ગણિત, રિપીટ, નો રિપીટ થિયરી સહિતની બાબતો અંગે વિચારણા કરી ઉમેદવારો નક્કી કરવા માટે મંથન કરાશે.
ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર ન થવા અંગે રાજકીય નિષ્ણાતો કહે છે, હજી ગુજરાતમાં ઘણાબધા સરકારી કાર્યક્રમો બાકી છે. એક તો ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજિત છે, જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક કારણોથી એ પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સપો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. (file photo)