અમદાવાદમાં દિવાળીના પર્વને લીધે બે ટાઈમ ડોર ટૂ ડોર કચરો ઉપાડાશે, AMC એ કર્યો નિર્ણય
અમદાવાદઃ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરમાં ગંદકી ન ફેલાય તેના માટે શહેરના મ્યુનિ.કોર્પોરેશનની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. શહેરના દરેક વિસ્તારમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી સવારે અને સાંજે ડુર ટુ ડોર કચરો લેવાશે. પ્રખ્યાત મંદિરો પર સાફ-સફાઈ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન જ્યારે મીઠાઈ – ફરસાણ વગેરેનું વધુ વેચાણ થતું હોય છે ત્યારે વેપારીઓના ત્યાં ચેકિંગ કરવા માટેના આદેશ પણ ફૂડ વિભાગના અધિકારીઓને આપવામાં આવ્યા છે.
મ્યુનિ.ના હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને અમદાવાદ શહેરમાં આવેલા પ્રખ્યાત મંદિરોમાં વિશિષ્ટ સાફ-સફાઈ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન જ્યારે ઘરની સાફ-સફાઈ લોકો કરતા હોય છે અને તેમાં કચરો નીકળતો હોય છે, જે ઘરની બહાર કચરો વધુ ફેંકતા હોય છે. તેથી રોડ ઉપરથી કચરો તેમજ ડોર ટુ ડોર કચરો લેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. 65 જેટલા સ્લીપર મશીન દ્વારા એક સાથે કર્મચારીઓ શહેરમાં સફાઈ કરે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન ખાણીપીણીની ચીજ વસ્તુઓ તેમજ મીઠાઈ અને ફરસાણનું વધુ વેચાણ થતું હોય છે. વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે છેડા ન કરવામાં આવ્યા અને ભેળસેળ વાળી વસ્તુઓ ના વેચાય તેને ધ્યાનમાં રાખી ફૂડ વિભાગ ને ચેકિંગ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મીઠાઈ- ફરસારણ, દૂધ અને દૂધની બનાવટો વગેરે ના સેમ્પલ લેવામાં આવે ઉપરાંત તેલમાં જે ચીજ વસ્તુ તળીને વેચાણ કરવામાં આવે છે તેમાં પણ સ્થળ ઉપર જ તેલનું ચેકિંગ કરવા માટે તેમજ જે પણ વેપારી દ્વારા ભેળસેળ કરવામાં આવી હોય તેને દંડ કરી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવા જણાવ્યું છે.