અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારની સૌથી મોટી સમસ્યા એવી ખારીકટ કેનાલને રૂ. 1200 કરોડના ખર્ચે પાંચ તબક્કામાં ડેવલોપમેન્ટ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. સોમવારે મળેલી વોટર એન્ડ સુએજ કમિટીમાં ખારીકટ કેનાલ માટેના ડેવલોપમેન્ટ માટેના પાંચ તબક્કામાંથી બે તબક્કાના કામને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બે તબક્કાના કામને આગામી કમિટી સુધી બાકી રાખવામાં આવ્યા છે. શહેરના વસ્ત્રાલથી વિંઝોલ વહેલાલ સુધીના તબક્કાની કામગીરી માટેના ટેન્ડરને રિટેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં યોજાવાની છે, ત્યારે પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલનું ખાતમુહૂર્ત ઝડપથી કરી સાત વિધાનસભામાંના મતદારોને રીઝવવા માટેના પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. સોમવારે મળેલી કમિટીમાં માત્ર ભારતીય રેલ વિકાસ નિગમના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. જેનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ અંગે વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે પાંચ તબક્કામાં કામગીરી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વસ્ત્રાલથી વિંઝોલ વહેલાલ સુધીના તબક્કાની કામગીરી માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. આ તબક્કાની કામગીરી માટે લીગલ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં એમઓયુમાં લીટીગેશન હિસ્ટ્રી હતી. જેને લઇ લીગલ અભિપ્રાય લેતા નેગેટિવ આવ્યો હતો જેથી આ કામગીરીના ટેન્ડરને રિટેન્ડર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના નરોડા સ્મશાન ગૃહથી નવયુગ શાળા સુધી તેમજ ઓઢવ ફાયર સ્ટેશનથી વસ્ત્રાલ સુધીના તબક્કામાં બે RCC પ્રિકાસ્ટ બોક્સ અને વિવિધ કામગીરી માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત અને આગામી કમિટી સુધી બાકી રાખવામાં આવી છે. કેનાલ પર જ્યાં બોક્સ બનાવવાના છે, ત્યાં અધિકારીઓની વિઝીટ કરવાની બાકી હતી. માત્ર એક જ જગ્યાએ વિઝીટ કરવામાં આવી હતી. બરાબર રીતે ચકાસવાની જરૂર લાગતા વિઝીટ કરવામાં આવશે. ત્યારબાદ તપાસ કરી અને આગામી કમિટી સુધી તેને બાકી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નરોડા નવયુગ શાળાથી નિધિ પાર્ક અને નિધિ પાર્કથી ઓઢવ ફાયર સ્ટેશન સુધીના એમ બે તબક્કાની કામગીરી થશે. કેનાલ પ્રોજેકટ ડેવલપમેન્ટમાં બે RCC પ્રિકાસ્ટ બોક્સ અને વિવિધ કામગીરી માટે ભારતીય રેલ વિકાસ નિગમને રૂ. 500 કરોડથી વધુના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે.