1. Home
  2. ગુજરાતી
  3. આતંકવાદ ઓનલાઇન કટ્ટરવાદ અને સાયબર જોખમો મારફતે ઝડપથી ફેલાઈ રહ્યો છેઃ PM મોદી
આતંકવાદ ઓનલાઇન કટ્ટરવાદ અને સાયબર જોખમો મારફતે ઝડપથી ફેલાઈ રહ્યો છેઃ PM મોદી

આતંકવાદ ઓનલાઇન કટ્ટરવાદ અને સાયબર જોખમો મારફતે ઝડપથી ફેલાઈ રહ્યો છેઃ PM મોદી

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, ભારત તેની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જે લોકો અને સંસ્કૃતિઓની ઉજવણી છે. ઇન્ટરપોલ વર્ષ 2023માં તેની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણી કરશે. આ પશ્ચાદ દર્શનનો સમય છે તેમજ ભવિષ્ય નક્કી કરવાનો સમય છે. આનંદ અને ચિંતન કરવાનો, પીછેહઠમાંથી શીખવાનો અને ભવિષ્યને આશા સાથે જોવાનો આ શ્રેષ્ઠ સમય છે.

પીએમ મોદીએ ભારતીય સંસ્કૃતિ સાથે ઇન્ટરપોલની ફિલસૂફીનાં જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો અને ઇન્ટરપોલનાં ‘સલામત વિશ્વ સાથે પોલીસનું જોડાણ’નાં સૂત્ર અને વેદની એ ઉક્તિ વચ્ચે સમાનતા પર ભાર મૂક્યો હતો, જેમાં વેદોમાંથી ટાંકવામાં આવ્યું હતું કે, ‘આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વતાહ’ એટલે કે તમામ દિશાઓમાંથી ઉમદા વિચારો આવવા દો, જેને તેમણે વિસ્તૃતપણે સમજાવ્યું હતું કે, વિશ્વને વધુ સારું સ્થળ બનાવવા માટે સાર્વત્રિક સહકાર માટે આમાં આહવાન કરવામાં આવ્યું છે.

ભારતના વિશિષ્ટ વૈશ્વિક દ્રષ્ટિકોણ પર ટિપ્પણી કરતા નરેન્દ્દ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક અભિયાનોમાં વીર પુરુષો અને મહિલાઓને મોકલવામાં ભારત ટોચનાં યોગદાદાનકર્તાઓમાંનું એક છે. “ભારતને આઝાદી મળી એ અગાઉ પણ આપણે દુનિયાને વધુ સારી જગ્યા બનાવવા માટે બલિદાન આપ્યું હતું.” વિશ્વ યુદ્ધોમાં હજારો ભારતીયોએ પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે. ભારતે કોઈપણ પ્રકારનાં સંકટમાં આગેવાની લેવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું હતું કે, “અત્યારે જ્યારે દેશો અને સમાજો આંતરિક દૃષ્ટિ ધરાવતાં થઈ રહ્યાં છે, ત્યારે ભારત વધારે આંતરરાષ્ટ્રીય સહકાર માટે અપીલ કરે છે. સ્થાનિક કલ્યાણ માટે વૈશ્વિક સહકાર એ અમારી હાકલ છે,” એમ નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, દુનિયાભરમાં પોલીસ દળો માત્ર લોકોનું રક્ષણ જ નથી કરી રહ્યાં, પણ સામાજિક કલ્યાણને પણ આગળ વધારી રહ્યાં છે. “તેઓ કોઈ પણ કટોકટી સામે સમાજની પ્રતિક્રિયામાં મોખરે છે.” પીએમએ કોવિડ કટોકટીનું ઉદાહરણ આપ્યું હતું અને ધ્યાન દોર્યું હતું કે પોલીસ કર્મચારીઓ લોકોને મદદ કરવા માટે તેમનાં પોતાનાં જીવનને જોખમમાં મૂકે છે. તેમણે જણાવ્યું હતું કે, “તેમાંના ઘણાએ લોકોની સેવામાં અંતિમ બલિદાન પણ આપ્યું હતું.”

વડાપ્રધાને ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા પર ભાર મૂક્યો હતો તથા ભારતનાં કદ અને વિશાળતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “ભારતીય પોલીસ”, “સંઘીય અને રાજ્ય સ્તરે, 900થી વધુ રાષ્ટ્રીય અને લગભગ દસ હજાર રાજ્ય કાયદાઓને અમલમાં મૂકવા માટે સહકાર આપે છે.” “આપણાં પોલીસ દળો વિવિધતા અને બંધારણ દ્વારા વચન આપવામાં આવેલા અધિકારોનો આદર કરીને કામ કરે છે. તેઓ માત્ર લોકોનું જ રક્ષણ નથી કરતા પરંતુ આપણાં લોકતંત્રની પણ સેવા કરે છે.” ઇન્ટરપોલની સફળતાઓ વિશે વાત કરતાં પીએમએ નોંધ્યું હતું કે, ઇન્ટરપોલે છેલ્લાં 99 વર્ષથી 195 દેશોમાં વૈશ્વિક સ્તરે પોલીસ સંગઠનોને જોડ્યાં છે અને આ ગૌરવશાળી પ્રસંગની ઉજવણી કરવા માટે ભારત સરકાર સ્મારક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડી રહી છે.

વડાપ્રધાને આતંકવાદ, ભ્રષ્ટાચાર, નશીલા દ્રવ્યોની દાણચોરી, શિકાર અને સંગઠિત અપરાધો જેવા વિશ્વનાં અનેક હાનિકારક જોખમોની યાદ અપાવી હતી. “આ જોખમોનાં પરિવર્તનની ગતિ અગાઉ કરતાં વધુ ઝડપી છે. જ્યારે ધમકીઓ વૈશ્વિક હોય, ત્યારે પ્રતિભાવ માત્ર સ્થાનિક ન હોઈ શકે! હવે સમય પાકી ગયો છે કે દુનિયા આ ધમકીઓને હરાવવા માટે એકજૂથ થાય,” એમ તેમણે કહ્યું હતું.

બહુરાષ્ટ્રીય આતંકવાદનાં અનિષ્ટો પર પ્રકાશ ફેંકતા તેમણે કહ્યું હતું કે, દુનિયાએ તેને સ્વીકાર્યું એ અગાઉ પણ ભારત ઘણાં દાયકાઓથી તેનો સામનો કરી રહ્યું છે. “અમે સુરક્ષા અને સલામતીની કિંમત જાણતા હતા. આપણા હજારો લોકોએ આ લડાઈમાં અંતિમ બલિદાન આપ્યું છે.” આતંકવાદ હવે માત્ર ભૌતિક અવકાશમાં જ લડાઈ લડતો નથી, પણ ઓનલાઇન કટ્ટરવાદ અને સાયબર જોખમો મારફતે ઝડપથી ફેલાઈ રહ્યો છે. પીએમએ સમજાવ્યું હતું કે, ફક્ત એક બટન દબાવીને જ હુમલો કરી શકાય છે અથવા તો સિસ્ટમને ઘૂંટણિયે પાડી શકાય છે. આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાઓને વધારે વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને તેમણે કહ્યું હતું કે, “દરેક રાષ્ટ્ર તેમની સામે વ્યૂહરચનાઓ પર કામ કરે છે. પરંતુ આપણે આપણી સરહદોની અંદર જે કરીએ છીએ તે હવે પૂરતું રહ્યું નથી.” વધુમાં તેમણે વહેલાસર શોધ અને ચેતવણી પ્રણાલીની સ્થાપના, પરિવહન સેવાઓનું રક્ષણ, સંચાર માળખાગત સુવિધા માટે સુરક્ષા, મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુરક્ષા, ટેકનિકલ અને ટેકનોલોજિકલ સહાય, ગુપ્તચર વિનિમય અને અન્ય વિવિધ બાબતોને નવાં સ્તરે લઈ જવાનું સૂચન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારનાં જોખમો વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગુનાઓએ ઘણા દેશોના નાગરિકોનાં કલ્યાણને નુકસાન પહોંચાડ્યું છે. “ભ્રષ્ટ”, તેમણે આગળ કહ્યું, “ગુનાની આવકને વિશ્વના જુદા જુદા ભાગોમાં પાર્ક કરવાનો માર્ગ શોધી કાઢે છે. આ નાણાં એ દેશના નાગરિકોના છે, જ્યાંથી તેમને લેવામાં આવ્યાં છે.” ઘણીવાર, આ વિશ્વના કેટલાક સૌથી ગરીબ લોકો પાસેથી લેવામાં આવે છે. તદુપરાંત, નાણાં ઘણા હાનિકારક ઉપયોગમાં મૂકવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક સમુદાયે સલામત આશ્રયસ્થાનોને નાબૂદ કરવાં વધારે ઝડપથી કામ કરવાની જરૂર છે. “ભ્રષ્ટ, આતંકવાદીઓ, ડ્રગ કાર્ટેલ્સ, શિકાર કરતી ટોળકીઓ અથવા સંગઠિત ગુનાઓ માટે કોઈ સલામત આશ્રયસ્થાનો હોઈ શકે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, એક સ્થળે લોકો સામે આ પ્રકારના અપરાધો એ દરેક વ્યક્તિ સામેના અપરાધો છે, માનવતા વિરુદ્ધના અપરાધો છે.” પીએમએ વધુમાં જણાવ્યું હતું કે, “પોલીસ અને કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓએ સહકાર વધારવા માટે પ્રક્રિયાઓ અને પ્રોટોકોલ્સ ઘડવાની જરૂર છે. ઇન્ટરપોલ ભાગેડુ અપરાધીઓ માટે રેડ કોર્નર નોટિસને ઝડપી બનાવીને મદદ કરી શકે છે. “સુરક્ષિત અને સલામત વિશ્વ આપણી સહિયારી જવાબદારી છે. જ્યારે સારાનાં પરિબળો સહકાર આપે છે, ત્યારે ગુનાનાં પરિબળો કામ કરી શકતાં નથી.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code