અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ દ્વારા યાત્રા યોજાયા બાદ હવે દિવાળી બાદ નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહ યોજવાનું આયોજન કરાયું છે. જેમાં 182 વિધાનસભા વિસ્તારોમાં મોટાપાયે સ્નેહ મિલન સમારંભો યોજાશે, સ્નેહમિલનમાં ભાજપના આગેવાનો –કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાગ લેશે. વડાપ્રધાન સ્નેહ મિલન સમારોહમાં વર્ચુઅલ સંબોધન કરશે
સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારો નજીક હોવાના કારણે હવે થોડો સમય માટે રાજકીય પક્ષો પોતાના પ્રચારને બ્રેક મારશે. પરંતુ દિવાળીના તહેવારો પૂરા થતાની સાથે જ તારીખ 1લી નવેમ્બરના રોજ ભારતીય જનતા પક્ષ દ્રારા ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સ્નેહમિલનના આ કાર્યક્રમમાં કઈ બેઠક પર ભાજપના કયા નેતાઓ જશે તે બાબતે મંત્રીઓ અને સંગઠન પાંખના આગેવાનોનું લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. સ્નેહમિલન પુરા થતાંની સાથે જ તારીખ 1લી નવેમ્બર બાદ ચૂંટણી જાહેર થશે.એવું કહેવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના છેલ્લા થોડા સમયના પ્રવાસો દરમિયાન તેમના રોડ શો, જાહેર સભા, પક્ષના આગેવાનો સાથે મીટીંગ જેવા કાર્યક્રમો યોજાયા છે. પરંતુ કાર્યકરો સાથેનો સીધો સંવાદ હજુ સુધી થયો નથી અને તેથી સ્નેહમિલનના આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ર્યુઅલ સંબોધન કરશે. 182 બેઠક પર 40 લાખથી વધુ આગેવાનો અને કાર્યકરો સ્નેહમિલનમાં જોડાશે અને વડાપ્રધાન તેમના પ્રવચનમાં આવા આગેવાનો અને કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરવાનું કામ કરશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓ પણ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. અને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. સુરત, વડોદરા અને રાજકોટમાં ઝોન વાઈઝ બેઠકો યોજીને કલેકટરો અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી, જેમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મતદાન મથકો પર પાયાની સુવિધા જેવી કે ટોયલેટ બ્લોક, હવા ઉજાસ, રેમ્પ, વેઇટિંગ જેવી સુવિધા છે કે નહીં તે જોઈ જવા અધિકારીઓને જણાવ્યું હતું. સરકારી મિલકતો પર પ્રચારાત્મક પોસ્ટર બેનર કે હોડિગ ન લાગે તે જોવા રિટર્નિગ ઓફિસરોને સૂચના આપી હતી. આ ઉપરાંત મોડલ કંડકટ ઓફ કોડ, ઇવીએમ, વીવીપેટ, રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ વગેરે બાબતે પણ માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણીમાં શું કરવું અને શું ન કરવું તેની સમજ પણ આ બેઠકમાં આપવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓ દિલ્હી જઈને રિપોર્ટ આપ્યા બાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે.