દિવાળીના દિવસ બાદ મંગળવારથી વેપાર-ઉદ્યોગોમાં મીની વેકેશન, લાભ પાંચમે વેપારીઓ મૂહુર્ત કરશે
રાજકોટઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ચૂકી છે. દરેક ક્ષેત્રમાં દિવાળીના તહેવારની ઉજવણીને લઇ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બે વર્ષ બાદ વેપારીઓના ધંધા રોજગારમાં ઉર્જા જોવા મળી રહી છે. આ વખતે તમામ ધંધા રોજગારીમાં ઘરાકી જોવા મળી રહી છે. તા. 24 તારીખે દિવાળી હોવાથી તમામ કામદારોના પગાર પણ વહેલા કરી દેવામાં આવ્યા છે. મોટાભાગના વેપારીઓ નૂતનવર્ષથી કારતક સુદ-4 સુધી એટલે કે ચાર દિવસ પોતાની દુકાનો બંધ રાખીને મીની વેકેશન પોતાના પરિવાર સાથે મનાવી શકશે. લાભ પાંચમે શુભ મૂહુર્ત કરીને વેપાર ધંધાનો પ્રારંભ કરશે. આ સાથે મોટાભાગના ઉદ્યોગોએ પણ રજાની જાહેરાત કરી દીધી છે.
દિવાળી દરમિયાન દરેક ક્ષેત્રમાં રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આ વર્ષે દિવાળીના બીજા દિવસે એટલે કે મંગળવારે ધોકો છે અને ત્યારબાદ બુધવારે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષનો શુભારંભ થશે. આ તહેવારોના દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝ એરીયા અને વેપારીઓના ધંધા રોજગાર બંધ રહેશે. દરેક ક્ષેત્રમાં મંગળવારથી રજા પડશે અને શનિવારે લાભપાંચમથી ધંધા રોજગારની શરૂઆત કરવામાં આવશે. પરંતુ કેટલાક વેપારીઓનું કહેવું છે કે શનિવારે લાભપાંચમથી શરૂઆત થવાથી સમગ્ર સ્થળે રજાનો માહોલ છવાયેલો હશે અને ત્યારબાદ બીજા દિવસે રવિવાર હોવાથી તમામ દુકાનો અને ઉદ્યોગો બંધ રહેતા હોય છે. આથી સોમવારથી તમામ ધંધા રોજગાર રેગ્યુલર થઇ જશે.
આજી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસો.ના સૂત્રોએ જણાવ્યું છે. કે તા. 24ના દિવાળી હોવાથી રજાનો માહોલ રહેશે અને બપોર સુધી પુજા-અર્ચના કરવામાં આવશે અને બપોર બાદ કામદારોને મીઠાઇનું વિતરણ કરી રજા આપવામાં આવશે. તા. 25 થી તા. 28 સુધી રજા રહેશે અને તા. 29થી લાભપાંચમથી ઉદ્યોગો પુનઃ ધમધમતા થશે. જ્યારે મેટોડા એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવાળીથી એટલે કે તા. 24થી તા. 28 સુધી જીઆઇડીસી મેટોડા (લોધીકા) ઇન્ડસ્ટ્રીયલ એરીયા બંધ રહેશે અને લાભપાંચમથી ફરી શરૂ થઇ જશે.
આ ઉપરાંત જેમ્સ એન્ડ જવેલરી એસો.ના સૂત્રોએ કહ્યું હતું કે, સોમવારે દિવાળી હોવાથી સોનીબજારની દુકાનો ખુલી રહેશે આથી મંગળવારથી શુક્રવાર સુધી રજા પાળવામાં આવશે. લાભપાંચમની શુભ શરૂઆત થશે. રીટેલમાં 2000થી વધુ દુકાનો છે. હોલસેલરમાં કારીગરો શુક્રવારે અને શનિવારે અર્ધો દિવસ કામ માટે આવે છે. આથી રજાનો માહોલ છવાયેલો છે. સોમવારથી સોની બજારની દુકાનો રેગ્યુલર થશે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તા. 24ના સોમવારથી તા. 29ના શનિવાર સુધી રજા રહેશે. સોમવારથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ખુલ્લુ રહેશે.