ખેડુતોના પાકને રખડતા ઢોર અને વન્ય પ્રાણીઓથી રક્ષણ આપવા માટે સોલાર પાવર યોજનાનો પ્રારંભ
ગાંધીનગરઃ રાજયમાં કૃષિને વેગ આપવા રાજય સરકારે અનેક વિધ યોજના અમલી બનાવી છે ત્યારે ખેડૂતોના પાકને રખડતા ઢોર અને વન્ય પ્રાણીઓથી રક્ષણ આપવા રૂ।.20 કરોડની સોલાર પાવર યુનિટ નવીન યોજનાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલનાં હસ્તે રાજયવ્યાપી શુભારંભ કરાયો છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડુતો માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના કાર્યરત છે જે અંતર્ગત ખેડૂતોને ક્લસ્ટરના ધોરણે લાભ મળે છે ત્યારે વધુને વધુ ખેડૂતોને સહાયરૂપ થવા માટે રાજય સરકારે આ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીની વ્યકિતગત નવીન યોજના એક વિકલ્પ રૂપે શરૂ કરી છે. આ માટે વર્ષ 2022-23 દરમિયાન રૂ.20.00 કરોડની જોગવાઈ પ્રથમ વર્ષે જ કરવામાં આવી છે.
જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ 13,070 ખેડૂત ખાતેદારોને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ખરીદ કરવા માટે કુલ ખર્ચના 50 ટકા અથવા રૂપિયા 15,000/- મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટ્સની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતું HDPE (High Density Poly Ethylene) માર્કવાળા પ્લાસ્ટિકના ડ્રમ (200 લિટર) તેમજ 10 લિટરના બે ટોકર(ટબ) કીટ ખરીદ કરવા માટે સહાય આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે રૂ 141 કરોડની મંજૂરી મળી છે. જે હેઠળ અંદાજિત 7.00 લાખ ખેડૂત લાભાર્થીઓને કીટની ખરીદ કિમત અથવા રૂ.2000 લેખે સહાય આપવામાં આવશે. આ યોજના માટે કૃષિ વિભાગના પોર્ટલ મારફત 13.92 લાખ અરજી મળી છે. જેનો ડ્રો કરી દિવ્યાંગ તથા મહિલા લાભાર્થીઓને અગ્રતા ક્રમ આપી કિટ ખરીદી માટે પૂર્વ મંજુરી આપવાનો શુક્રવારથી શુભારંભ કરાયો છે.