પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનનો ચોંકાવનારો ખુલાસો, ચાર મોંઘી ભેટનું કર્યું વેચાણ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે તોશખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવ્યા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતે સ્વીકાર્યું હતું કે, તેમણે વિદેશમાંથી મળેલી ઓછામાં ઓછી ચાર ભેટો વેચી હતી. ઈમરાન ખાનને ભેટમાં વેચી હોવાના ખુલાસા બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને પ્રમાણિત ચોર ગણાવ્યા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને જણાવ્યું કે, તેમણે રાજ્યની તિજોરીમાંથી 2.15 કરોડ રૂપિયા ચૂકવીને ખરીદેલી ભેટોના વેચાણમાંથી લગભગ 5.8 કરોડ રૂપિયા મળ્યા છે. ભેટોમાંથી એકમાં ગ્રાફ કાંડા ઘડિયાળ, કફ લૅન્જરીની જોડી, એક મોંઘી પેન અને એક વીંટીનો સમાવેશ થાય છે. જ્યારે બાકીની ત્રણ ભેટમાં ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે. ઈમરાન ખાનને જુલાઈ 2018થી જૂન 2019 સુધીમાં કુલ 31 ભેટ મળી હતી, જેમાંથી તેણે માત્ર ચારની જ ચૂકવણી કરી હતી.
નિયમો અનુસાર, 30 હજાર રૂપિયાથી ઓછી કિંમતની કોઈપણ ભેટ વડાપ્રધાન કોઈપણ ચૂકવણી વિના પોતાની પાસે રાખી શકે છે. તેમણે આ માટે પૈસા ચૂકવવાની જરૂર નથી. આ સિવાય ઈમરાન ખાનને જુલાઈ 2019 થી જૂન 2020 સુધી નવ ભેટ મળી હતી, જેમાંથી તેણે ત્રણ માટે લગભગ 17 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. એક ભેટમાં સોના અને હીરાના લોકેટ સાથેનું એક બોક્સ, કાનની ટોચની જોડી અને હીરાની વીંટીનો સમાવેશ થાય છે. જુલાઈ 2020 થી જૂન 2021 સુધીમાં, તેમને 12 ભેટો મળી અને તેમાંથી પાંચ માટે 1.29 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.