અમદાવાદઃ મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. અને હવે આવી ઘટના ફરીવાર ન બને તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદી પર બનાવવામાં આવેલા અટલ ફૂટ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે હવે દર કલાકે માત્ર ત્રણ હજાર લોકોને જ એન્ટ્રી આપવામાં આવે છે. આજે બુધવારથી અટલ બ્રિજ પર મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીની દુર્ઘટના બાદ સરકાર સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સરકારે અગમચેતીના પગલાં ભરીને તંત્રને વધુ તકેદારી રાખવાની તાકિદ કરવામાં આવી છે. અમદાવાદના અટલ ફુટ બ્રિજ પર પ્રવેશ આપવાની કોઈ મર્યાદા રાખવામાં આવતી નહતી. તેના લીધે બ્રીજ પર ખૂબ ભીડ જોવા મળતી હતી. હવે બ્રિજ પર મુલાકાતીઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, મોરબીના ઝૂલતા પુલ તૂટવાની ઘટના બાદ હવેથી અટલ ફૂટ બ્રિજ પર મર્યાદિત લોકોને પ્રવેશ આપવામાં આવશે. અટલ બ્રિજની હાલની ક્ષમતા અને મજબૂતાઈ મુજબ એક સાથે બાર હજાર લોકો બ્રિજ ઉપર ઉભા રહી શકે છે. પરંતુ લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને હવેથી દર કલાકે માત્ર ત્રણ હજાર લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે. જો કે, શહેરના સાબરમતી નદી પરના અટલ ફૂટ બ્રિજનું સ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત છે. પરંતુ સલામતીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લોકોને અપીલ કરવામાં આવી છે કે, જો ત્રણ હજારથી વધારે લોકો થઈ જાય તો થોડા સમય લોકો બહાર નીકળી જાય ત્યારબાદ અંદર પ્રવેશ મેળવે તેટલો સહકાર તંત્રને આપવામાં આવે. ફરજ પરના સિક્યુરિટીના જવાનોને પણ બ્રિજ પર વધુ ભીડ ન થાય તેની તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે.