ગુજરાતમાં 2023 સુધીમાં બાયોમેટ્રિક ડેટા-ચીપ્સ સાથેનો સિક્યુરિટી ફિચર્સ ધરાવતો ઈ-પાસપોર્ટ મળશે
અમદાવાદઃ કેન્દ્ર સરકારે ભારતિય પાસપોર્ટમાં ફેરફાર કરીને વધુ સિક્યુરિટી કોડ ઉમેરવામાં આવી રહ્યા છે. અને 2023 સુધીમાં બાયોમેટ્રિક ડેટાડચીપ્સ સાથેનો સિક્યુરિટી ફિચર્સ ધરાવતો ઈ-પાસપોર્ટ આપવામાં આવશે. વિદેશ મંત્રાલયે ભારતીય પાસપોર્ટમાં મોટા ફેરફાર કરી 2015-16થી નવા સિક્યોરિટી ફીચર્સ ઉમેરી બ્લર ઇમેજવાળો પાસપોર્ટ નાગરિકોને આપવાની શરૂઆત કરી હતી. હવે વિદેશ મંત્રાલય દ્રારા છ વર્ષ બાદ પાસપોર્ટને વધુ સુરક્ષિત બનાવવાની સાથે ઇ-પાસપોર્ટની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે. ગુજરાતમાં પણ 2023 સુધીમાં ઈ-પાસપોર્ટ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી વર્ષ 2023થી ગુજરાત સહિત દેશભરના તમામ નાગરિકોને બાયોમેટ્રિક ડેટા ધરાવતી ચિપ્સ સાથે એમ્બેડેડ ઇ-પાસપોર્ટ જારી કરવામાં આવશે. જેથી પાસપોર્ટ સાથે કોઇ ચેડાં કે દુરુપયોગ કરી શકાશે નહીં. એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર અધિકારી ચિપ સેન્સર સાથે કનેક્ટ કરતા જ મુસાફરની તમામ માહિતી ઓપન થઈ જશે.
અમદાવાદના રિજિયોનલ પાસપોર્ટ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાયોમેટ્રિક પાસપોર્ટ આવ્યા બાદ ફીમાં વધારો કરાશે નહીં. હાલમાં ફ્રેશ કે રિ-ઇસ્યૂમાં 1500 અને તત્કાલની રૂ.3500 ફી જેમાં 36 પાનાની બુકલેટ અને જમ્બો લેવી હોય તો તત્કાલ અને નોર્મલમાં રૂ.500 વધુ ફી પેટે લેવામાં આવે છે. ઇ-પાસપોર્ટ આવ્યા બાદ પણ પાસપોર્ટની ફી વધારવા માટે મંત્રાલયનું હાલમાં કોઇ આયોજન નથી. મુસાફરોને ઇમિગ્રેશન કાઉન્ટરો પરની કતારોમાંથી રાહત મળશે. તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ સાથે લાંબા ગાળાનો કરાર છે, જેણે 2008થી સરકારને પાસપોર્ટ સંબંધિત સેવાઓને ડિજિટલાઇઝેશન કરવામાં મદદ કરી છે. હવે નવા પોગ્રામને અમલમાં મૂકવા માટે કંપની સાથે કરાર કર્યા છે જેમાં TCS ટેક્નોલોજીને અપગ્રેડ કરવા, ડેટાની સુરક્ષા વધુ મજબૂત કરવા અને અન્ય બાબતોની કાળજી લેવા માટે મદદરૂપ બનશે.