પાટણની હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના નવા કૂલપતિની નિમણૂંક માટે કમિટીની રચના
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 16 માં કુલપતિ તરીકે 8 જાન્યુઆરી 2020 માં નિમણુક થયેલા કુલપતિ ડૉ.જે.જે.વોરાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવામાં બે મહિના જ બાકી હોય નવા કુલપતિની નિમણૂક માટે નિયમ મુજબ નિમણૂક કમિટી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે .જેમાં સભ્ય સભ્યોની નિમણુંક પણ કરાઈ ચૂકી છે. સર્ચ કમિટી ત્રણ નામોની પસંદગી કરીને સરકારને મોકલશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હેમચન્દ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના ડૉ.જે.જે.વોરા સૌપ્રથમ પ્રોફેસર તરીકે જોડાયા બાદ અધ્યક્ષ બન્યાં ત્યારબાદ જાન્યુઆરી 2020 માં યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે હોદો સંભાળ્યો હતો. કુલપતિ તરીકેનો કાર્યકાળ 3 વર્ષનો હોય પૂર્ણ થવામાં હવે નવેમ્બર અને ડિસેમ્બર બે માસ બાકી છે.અને નવીન વર્ષ 2023 જાન્યુઆરીમાં તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોય યુનિવર્સિટીના નિયમ મુજબ કુલપતિના કાર્યકાળ પૂર્ણ થતો હોય તેના ત્રણ કે છ માસ પૂર્વે નવા કુલપતિની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે. જે મુજબ હાલના કુલપતિ નો કાર્યકાળ પૂર્ણ થવાના આરે હોય નવીન કુલપતિની નિમણૂક માટે કમિટીની રચના કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કમિટીમાં ચાર સભ્યોની નિમણૂક કરવાની હોય છે જે પૈકી બે સભ્યોની નિમણૂક પૂર્ણ થવા પામી છે. આગામી દિવસોમાં અન્ય બાકી બે સભ્યોની વરણી પૂર્ણ થતા કમિટી બેઠક કરી નવીન કુલપતિના નિમણુક માટે ઉમેદવારોના ફોર્મ મંગાવી તેમાંથી ત્રણ નામ પસંદગી કરાશે. સરકાર દ્વારા જે પૈકી એકની પસંદ કરી કુલપતિ તરીકે નિમણૂક અપાશે. યુનિવર્સિટીમાં કુલપતિ બનવા માટે કોલેજમાં પ્રોફેસર તરીકેનો 10,000 ના ગ્રેડ પે સાથે દસ વર્ષનો અનુભવ હોય તે કુલપતિ બની શકે છે. કુલપતિને સાતમા પગાર પંચ મુજબ માસિક 2.11 લાખ બેઝિક પગાર એટલે કે ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ 76 લાખનો બેઝિક પગાર ઉપરાંત અન્ય લાભો અને ભથ્થા અલગથી મળે છે. જે બધું મળી ત્રણ વર્ષમાં અંદાજે એક કરોડ આસપાસ પગાર મળે છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે યુનિવર્સિટીના કૂલપતિના નામોની ભલામણ માટે જે કમિટી બનાવવામાં આવે છે, જેમાં રાજ્યપાલ દ્વાર એક સભ્યની નિમણુક કરવામાં આવે છે. જે કમિટીનો ચેરમેન હોય છે. આ ઉપરાંત ચાર સભ્યો નિમવામાં આવે છે, જેમાં રાજ્યની યુનિવર્સિટીના કુલપતિઓ બેઠક બોલાવી તે પૈકી એક કુલપતિની સભ્ય તરીકે પસંદગી કરાય છે. જ્યારે
યુનિ ના કારોબારી અને એકેડમીક સભ્યો સાથે મળી બહારના એક સભ્યની નિમણુક કરે છે. ઉપરાંત યુજીસી દ્વારા એક સભ્ય નિમણુક કરવામાં આવે છે.