પાકિસ્તાનમાં પૂર્વ PM ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર, ઈમરાન સહિત ચાર વ્યક્તિ ઘાયલ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગની ઘટના બની છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાયરિંગમાં ઈમરાન સહિત 4 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. વજીરાબાદમાં અલ્લાહ હો ચોક પાસે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈમરાનખાનને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. ઈમરાનખાનને પગમાં ઈજા થયાનું જાણવા મળે છે.
મીડિયા અહેવાલ મુજબ, હુમલા બાદ ઈમરાન ખાનને કન્ટેનરમાંથી બહાર કાઢીને બુલેટ પ્રૂફ કારમાં લઈ જઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પીટીઆઈના ફારૂક હબીબે પક્ષના વડા ઈમરાન ખાન ગોળીબારમાં ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. પીટીઆઈ નેતા ફૈઝલ જાવેદ પણ ઈમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગમાં ઘાયલ થયા હતા. તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વિરોધ માર્ચનો સાતમો દિવસ છે.
ઈમરાન ખાન લાહોરથી ઈસ્લામાબાદ સુધી કૂચ કરી રહ્યા છે. આ કૂચ દરમિયાન, તે જે કન્ટેનરમાં હતા તેની નજીક ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલા બાદ ઈમરાન ખાનને કન્ટેનરમાંથી કાઢીને કારમાં બેસાડવામાં આવ્યો હતો.
હુમલાખોરોને પકડી લેવામાં આવ્યો છે પરંતુ અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનના કાફલા ઉપર હુમલાની ઘટનાને પગલે પાકિસ્તાનમાં રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ અજાણ્યા શખ્સે એકે-47થી ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. જો કે, આ હુમલો કોણે અને કેમ કરાવ્યો તે જાણવા મળ્યું નથી.