મોરબી દુર્ઘટના બાદ ભુજમાં પણ જર્જરિત પુલ એક તરફથી બંધ કરાયો
અમદાવાદઃ મોરબીમાં પુલ દૂર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર રાજ્યમાં આવા પુલને લઈને જરૂરી નિર્દેશ કરવામાં આવ્યાં છે. અમદાવાદના અટલ પુલ ઉપર પણ નિર્ધારિત લોકોને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન ભુજમાં પણ એક જર્જરિત પુલ ઉપર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, તેમજ તેના પરીક્ષણ બાદ રિપોર્ટના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભુજમાં કુષ્ણાજી પુલ જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી હરકતમાં આવેલા તંત્રએ તાત્કાલિક એક તરફનો વાહન-વ્યવહાર બંધ કરાવ્યો હતો. તેમજ ક્વોલિટીં કન્ટ્રોલ અંગે પરિક્ષણ માટે કામગીરી શરૂ કરી હતી. પરિક્ષણના રિપોર્ટ બાદ જ પુલ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મોરબીમાં ઝુલતો પુલ તુડવાની ઘટનાને પગલે 100થી વધારે લોકોના મોત થયાં હતા. જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે.