ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોના ટોપી, ઝંડા, ખેસના ધંધામાં તેજી
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ચૂંટણીના પ્રચાર માટેના સાહિત્ય તૈયાર કરનારા ધંધાર્થીઓમાં તેજી જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઝંડા, ટોપી, અને ખેસ, તેમજ પડદા-બેનર્સ બનાવનારાને આગોતરા ઓર્ડર મળવા લાગ્યા છે. હાલ પાર્ટી દ્વારા ઓર્ડર મળી રહ્યા છે, પણ ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ઉમેદવારો દ્વારા પણ ચૂંટણી સાહિત્યાની ખરીદી કરવામાં આવશે. ત્યારે આ પ્રકારની સામગ્રી બનાવતા વેપારીઓએ પહેલેથી જ તૈયારી કરી રાખી હતી. ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીનો જે રીતે ગુજરાતમાં ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે, તેને લઈને વેપારી દ્વારા તમામ પાર્ટીઓના ઝંડા બેનરો ટી-શર્ટ સાડી અને તમામ ઉમેદવાર પોતાના ખભે પહેરતા ખેસ મોટી સંખ્યામાં બનાવી રાખ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારો અંગે મંથન તથા રાજકીય રણનીતિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે-સાથે ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યો છે. જોકે, ચૂંટણી સમયે તમામ પાર્ટી પોતાની રાજકીય પાર્ટીના ઝંડા, બેનરો સહિતની સામગ્રીનો પ્રચારમાં ઉપયોગ કરતી હોય છે, ત્યારે સુરતના વેપારીએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પહેલાથી જ તમામ સામાન બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરતમાં તમામ પાર્ટીઓના ઝંડા સહિતની પ્રચાર સામાગ્રી તૈયાર કરી દેવામાં આવી છે. આગામી સમયમાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ આ તમામ સામગ્રી સુરતના વેપારીઓ પાસેથી ઉમેદવારો દ્વારા મંગાવાની શરૂઆત થશે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ સાથે આપ પાર્ટી જે રીતે મેદાનમાં ઉતરી છે, તેને લઈને વેપારીઓને મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આમ, તો સુરતના વેપારી દેશભરની 20 જેટલી રાજકીય પાર્ટીઓની વસ્તુઓ લાંબા સમયથી બનાવે છે. અને 2022-23 અને 2024માં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સામાન અત્યારથી તૈયાર કરવા લાગ્યા છે. પ્રચાર સામાગ્રી તૈયાર કરતાં વેપારીએ ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશથી પણ ઓર્ડર મળે તેવી આશા વ્યક્ત કરી છે