વેરાવળ જીઆઈડીસીમાં દીપડો ઘૂસી ગયો, આખરે વન વિભાગે રેસ્ક્યુ કરીને દીપડાને પાંજરે પૂર્યો
વેરાવળઃ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને સોરઠ વિસ્તારમાં દીપડાંની વસતી વધતા જાય છે. વેરાવળના જીઆઈડીસીમાં ફિશ એક્સપોર્ટ કંપનીમાં દીપડો ઘૂસી જતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વન વિભાગની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને પિંજરે પૂરતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો જ્યારે ખાંભા તુલસીશ્યામ રેન્જમાં ઈનફાઈટમાં બે વર્ષના સિંહબાળનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત તાલાલા ગીરમાં શ્વાનનો શિકાર કરવા આવેલા દીપડાને શ્વાને હિંમતભેર સામનો કરતા દીપડાને ભાગવું પડયું હતું.
વેરાવળ વિસ્તારમાં અવારનવાર દીપડા જોવા મળતા હોય છે. થોડા દિવસ પહેલા વેરાવળ ધર્મશાળામાં દીપડો ઘૂસ્યાનો બનાવ બન્યો હતો. ત્યાંર બાદ ગતરાત્રે વેરાવળ જીઆઈડીસીમાં આવેલી શૈલગંગા ફીશ એક્સપોર્ટ કંપનીના સ્ટોરરૂમમાં દીપડો ઘૂસી ગયો હતો. સવારે કર્મચારીઓ આવ્યા ત્યારે સ્ટોર રૂમમાં આંટાફેરા કરતો દીપડો નિહાળતા ફફડાટ ફેલાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની રેસ્ક્યુ ટીમે દીપડાને કેદ કરવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. વન વિભાગની ટીમે સવા કલાકની મહેનતના દિલધડક રેસ્કયુ ઓપરેશનમાં અંતે ગન મારફત ટ્રેન કયૂલાઈઝ ઈન્જેકશન મારીને બેભાન કરવામાં સફળતા મળી હતી. બાદમાં દીપડાને પાંજરામાં પૂરીને સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અંદાજે ચારથી પાંચ વર્ષનો ખુંખાર નર દીપડા પાંજરે પુરાતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, ધારી ગીર ખાંભા તુલસીશ્યામ રેન્ઝમાં ભાણિયા રાઉન્ડના ધાવડિયા બીટમાં એકથી બે વર્ષના સિંહ બાળનું મોત નીપજતા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સિંહ બાળનું અન્ય સિંહ સાથે ઈનફાઈટ થઈ હતી જેમાં સિંહબાળનું મોત થયું હોવાનું જાણવા મળ્યુ છે. વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું હતું અને સિંહ બાળનું પી.એમ. ખાંભા રેન્જ ઓફિસ ખાતે કરી વન વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી તેમજ ખાંભા તુલસીશ્યામ રેંજના ત્રાફડા રેવન્યુ વિસ્તારમાં એક બીમાર સિંહણનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે તાલાલા શહેરમાં સાસણ રોડ પર જૂની મામલતદાર કચેરી અવાવરું હાલતમાં હોય જ્યાં ઘણા સમયથી દીપડાની અવર-જવર વધી હોવાથી લોકોમાં ભયનો માહોલ છે ગત રાત્રે દીપડાએ શિકાર કરવા શ્વાન પાછળ દોટ લગાવી તરાપ મારી હતી પરંતુ શ્વાને હિંમતપૂર્વક દીપડાનો સામનો કરતા દીપડાએ નાશી જવાની ફરજ પડી હતા. ત્યારે શ્વાન અને દીપડા વચ્ચેની લડાઈ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોય જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.