1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોંગ્રેસના આદિવાસી નેતા અને સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા
કોંગ્રેસના આદિવાસી નેતા અને સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

કોંગ્રેસના આદિવાસી નેતા અને સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પક્ષ પલટુઓની મોસમ પણ ખીલી ઉઠતી હોય છે. ટિકિટ ન મળતા કે ટિકિટ મળવાની નથી એવો અણસાર આવતા જે તે પાર્ટીના કાર્યકરો કે નેતાઓ પક્ષ પલટો કરવામાં વિલંબ કરતા નથી. કોંગ્રેસના પાયાના કાર્યકર ગણાતા એવા નેતાએ પોતાના પૂત્રને ટિકિટ નહીં મળે એવું લાગતા 50 વર્ષે કોગ્રેસનો હાથ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે. આથી ચૂંટણી પહેલા કોંગેસને મોટો ઝટકો લાગ્યો છે. 50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસના સિનિયર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા છે. તેઓ 11 વખત ચૂંટણી લડ્યા હતા જેમાંથી તેઓ 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ હતા.

ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર તૂટી છે. આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. છોટાઉદેપુરના ધારાસભ્ય મોહન રાઠવાએ ભાજપનો ખેસ પહેરી અને ટોપી પહેરીને ભાજપમાં જોડાયા છે. મોહન રાઠવાના આ નિર્ણયથી ચૂંટણીના સમયે ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. મોહન રાઠવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપના નેતાઓની હાજરીમાં કોંગ્રેસના MLA મોહનસિંહ રાઠવાએ કેસરિયા કર્યાં છે. મોહન રાઠવાના બંને પુત્રો રાજેન્દ્ર અને રણજીત રાઠવા પણ ભાજપમાં જોડાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  છોટા ઉદેપુરના ધારાસભ્ય અને રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ અગાઉ વિધાનસભાની ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી. સાથે સાથે યુવાનોને તક આપવાની પણ વાત કરી હતી. તેઓએ એવું કહ્યુ હતુ કે,  1972થી સતત 11 ટર્મ સુધી ચૂંટણી લડ્યો. જેમાંથી 10 વખત જીત્યો છું. જેતપુર પાવી, બોડેલી અને છોટાઉદેપુર તાલુકાનાં મતદારો મને ગુજરાતની વિધાનસભામાં સૌથી વધારે વખત જીતાડીને લાવ્યા છે. હવે મારી 79 વર્ષની ઉંમર થઈ છે.  હવે એવા યુવા નેતાઓની જરૂર છે જે ગામડે ગામડે જઈ શકે, લોકો માટે દોડી શકે. મોહનસિંહ રાઠવાએ પોતાના પૂત્ર માટે કોંગ્રેસમાંથી ટિકિટ માગી હતી. પણ કહેવાય છે. કે, પૂત્રને ટિકિટ નહીં મળે એવો અણસાર આવતા તેમણે કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

છોટાઉદેપુર ગુજરાત ચૂંટણીમાં હંમેશાથી મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. જેમાં ‘રાઠવા ત્રિપુટી’નો દબદબો રહ્યો છે. આ મોટા ગજાના નેતા એટલે મોહનસિંહ રાઠવા, નારણ રાઠવા અને સુખરામ રાઠવા. આ ત્રણેય નેતા અત્યારસુધી ખૂબ જ મહત્ત્વના પદ પર પણ રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં ટિકિટની વહેંચણી થઈ રહી છે, તેમ-તેમ હવે રાજકીય ગરમાવો વધતો જાય છે. મોહનસિંહ રાઠવા અને નારણસિંહ રાઠવાની નજર હવે તેમના દીકરાઓ ઉપર છે. તેઓ હવે તેમના પુત્રને ટિકિટ મળે તે ઇચ્છી રહ્યા છે. મોહનસિંહ રાઠવાએ તો 2017માં જ જાહેર કરી દીધું હતું કે તેઓ પોતાના પુત્રને છોટાઉદેપુરથી વિધાનસભા માટે લડાવવા માગે છે. એટલે કે નારણસિંહ રાઠવા અને મોહનસિંહ રાઠવા, બન્નેને પોતાના પુત્રને છોટાઉદેપુરથી ટિકિટ મળે, તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

ભાજપમાં કેસરિયો કર્યા બાદ મોહન રાઠવાએ નિવેદન આપ્યું કે, કોંગ્રેસ સાથે આટલા વર્ષો કામ કર્યું, તમને પણ લાગ્યું હશે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ ગયા. આ પ્રશ્ન અનેક લોકોના દિલમાં છે. પરંતુ સમય સમય બળવાન હોય છે. સમય સમય બળવાન હોવાને કારણે આ મારા જીવનનું સદભાગ્ય છે. મને આ તક મળી છે. મારે કોઈ પાર્ટી સાથે અણબનાવ નથી, કોઈ સાથે વિરોધ નથી. પણ લાગણી થઈ કે આટલા વર્ષો સુધી આ પાર્ટીમાં રહ્યાં તો બીજેપી સાથે જઈને આદિવાસી યોજનાઓ જાહેર થઈ તેને આકર્ષાઈને અહી આવ્યો. મને કોંગ્રેસ ના પણ ન પાડી, અને ટિકિટ નથી આપી તેવુ પણ નથી કહ્યું. એ પહેલા આ નિર્ણય કર્યો છે. મારી ઉંમર થઈ ગઈ છે. તેથી મારા દીકરા રાજેન્દ્રસિંહ રાઠવાની લાગણી હતી કે ભાજપમાં જોડાઈએ. ભાજપવાળા તો અમને સો ટકા ટિકિટ આપવાના જ છે. મારે આ વખતે ચૂંટણી લડવી નથી. આ પાર્ટી પાસેથી મેં ટિકિટ પણ નથી માંગી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code