આણંદમાં તારાપુર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, ત્રણના મોત
અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે તારાપુર ચેકડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટાઇલ્સ ભરી પુરપાટ ઝડપે જતી ટ્રક અચાનક માર્ગ પર જ પલટી ગઇ હતી. જેના કારણે રસ્તો ક્રોસ કરી રહેલા એક જ પરિવારના દસેક સભ્યો ટાઇલ્સ નીચે દબાઇ ગયાં હતાં. જેમાં ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે પાંચ જેટલી વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ બગોદરા હાઈવે પર અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા કરે છે. તારાપુર ચોકડી પાસે બુધવારે વહેલી સવારે મોરબીથી ટાઇલ્સ ભરેલી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા તે પલટી ગઇ હતી. જેના કારણે રસ્તો ક્રોસ કરવા ઉભેલા આઠ વ્યક્તિ તેની નીચે દબાઇ ગયાં હતાં. જેમાં ત્રણના મોત નિપજ્યાં હતાં. વહેલી સવારે બનેલા આ બનાવના પગલે ઘાયલોની ચિચિયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. આથી, આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને બધાને બહાર કાઢી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં મૃતકે અને ઘવાયેલા લોકો પોતાનું વાહન રોડ સાઈડ પર ઊભુ રાખીને રોડ ક્રોસ કરીને સામે લારી પર ચા પીવા માટે જતાં હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. તારાપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.