ભાવનગરઃ જિલ્લાના મહુવા અને તળાજા તાલુકાના કાંઠાળ વિસ્તાર સહિત પાણી પિયતની સુવિધા વાળા ગામોમાં શિયાળુ ડુંગળી માટેની કાંજી કળીનું ચોપાણ છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી શરૂ થઈ ગયું છે. દિવાળી પહેલા મગફળી સહિતના ખરીફ પાક લેવાયા બાદ ખાલી થયેલી જમીનના પાડામાં આ વખતે મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ ડુંગળીની કળીનું ચોપાણ શરૂ કરી દીધુ છે. અત્યાર સુધીમાં 50 % ચોપાણ પૂર્ણ થયું છે અને હજુ પણ નવેમ્બર માસના બીજા ત્રીજા અઠવાડિયા સુધી શરૂ રહેશે એવો અંદાજ છે.સાનુકુળ વાતાવરણ અને પિયતની સુવિધાથી આ વર્ષે મહુવા અને તળાજા પંથકમાં ડુંગળીનું મબલખ ઉત્પાદનની ખેડૂતો અપેક્ષા રાખી રહયાં છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તળાજા અને મહુવા પંથકની જમીન ડુંગળીની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. ભાવનગર જિલ્લાના ડુંગળીના કુલ વાવેતરમાં મહુવા અને તળાજાનો હિસ્સો અધિકતમ રહે છે. તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સબ્જીમંડીમાં મહુવા અને તળાજાની લાલ તરીકે જાણીતી થયેલી ડુંગળીની માંગ સૌથી વધુ રહે છે. તેમજ મહુવામાં ડુંગળી આધારિત ડીહાઈડ્રેશન એકમોનો વ્યાપ વધારે છે, મહુવાથી સારી ક્વોલિટીની ડુંગળીની નિકાસ પણ થાય છે. જેના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં દરેક સીઝનમાં ઉત્પાદિત થયેલી ડુંગળી તથા ડુંગળીના મેડા સંગ્રહિત માલની સતત આવક શરૂ રહે છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડુંગળનો પાક અત્યંત સેન્સીટીવ છે તેને ગરમ અને ભેજવાળુ વાતાવરણમાં માફક આવતું નથી. એટલે જ મોટાભાગે ડુંગળીનું વાવેતર શિયાળામાં થાય છે. ડુંગળીની કળી કે રોપ ના ચોપાણ પછી ગરમી કે ભેજવાળું વાતાવરણ સર્જાય તો તેના પાકમાં બાફીઓ ચરમી સહિત મૂળ જન્ય રોગ પ્રસરે તો તેના ઉત્પાદન ઉપર અસર થાય છે જેથી ખેડૂતોએ નુકસાન નિવારવા માટે ઉજરતા ડુંગળી પાક પર સતત નિરીક્ષણ કરવું પડે છે.