નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મહાઠગ સુકેશનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. સુકેશે પોતાના વકીલ અશોક સિંહ મારફતે આ પત્ર જાહેર કર્યો છે. જેમાં સુકેશ ચંદ્રશેખરે પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે અને કહ્યું છે કે સત્યેન્દ્ર જૈન અને કેજરીવાલ પર લાગેલા આરોપો પર મારો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાના સૂચનનું હું સ્વાગત કરું છું.
મહાઠગ સુકેશે અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને પણ પોલીગ્રાફ ટેસ્ટ માટે પડકાર ફેંક્યો હતો. સુકેશે કહ્યું કે, તેઓએ આ માટે સંમતિ પણ આપવી જોઈએ અને પછી ત્રણેયનું એકસાથે પરીક્ષણ કરવું જોઈએ. સુકેશે પત્રમાં એમ પણ કહ્યું કે, આ ટેસ્ટનું લાઈવ પ્રસારણ થવુ જોઈએ, જેથી અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનનું સત્ય દેશની સામે ઉજાગર થઈ શકે.
સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે તેમના પીઆર એજન્ટ દ્વારા ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ અને ટાઈમ્સ મેગેઝિન જેવા અખબારોએ દિલ્હીની સરકારી શાળાઓના પ્રમોશન માટે પૈસા ચૂકવીને પેઈડ ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા. આ પેઇડ ન્યૂઝ આ અખબારોના પીઆર એજન્ટ માર્ક અને વેરોનિકા દ્વારા 8,50,000 યુએસ ડોલરમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો હતો કે, તેણે દુબઈથી કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન માટે કરોડોની કિંમતની ઘડિયાળો મેળવી હતી અને તેમને ભેટમાં આપી હતી.
સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રમાં લખ્યું છે, “બાય ધ વે, તમને યાદ હશે કે જેકબ એન્ડ કંપની એસ્ટ્રેનોમિયા ઘડિયાળ, કેજરીવાલ જી, જે મેં તમને આપી હતી અને તમે મને તેનો પટ્ટો વાદળીમાંથી કાળો કરવા માટે કહ્યું હતું. હું જાણવા માંગુ છું. તમે આ ઘડિયાળનો પટ્ટો વાદળીમાંથી કાળો કરવા માંગતા હતા… પછી ખબર પડી કે જ્યોતિષશાસ્ત્રે તમને કહ્યું છે કે આ ઘડિયાળના ડાયલમાં બધા ગ્રહો છે… તમારા જ્યોતિષે સવારે ઉઠીને તમને ઘડિયાળ પહેરવાનું કહ્યું પરંતુ કાળો પટ્ટો… આ માટે, મેં તે ઘડિયાળનો પટ્ટો બદલ્યો અને તે જ દિવસે તમને પહોંચાડ્યો હતો.