જોનસન બેબી પાઉડરને લઈને કોર્ટે નવો આદેશ જારી કર્યો
મુંબઈ:બોમ્બે હાઈકોર્ટે બુધવારે જોનસન એન્ડ જોનસન બેબી પાઉડરના નમૂનાઓનું નવેસરથી પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો.આ સાથે કોર્ટે કંપનીને ઉત્પાદન (બેબી પાવડર) બનાવવાની મંજૂરી આપી હતી, પરંતુ તેને વેચી શકાશે નહીં.કંપનીએ રાજ્ય સરકારના બે આદેશોને પડકારતી અરજી દાખલ કરી હતી.
તેમાંથી, 15 સપ્ટેમ્બરના આદેશમાં લાયસન્સ રદ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને 20 સપ્ટેમ્બરના આદેશમાં કંપનીને તાત્કાલિક બેબી પાવડરનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવા જણાવ્યું હતું.આ આદેશો સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના જોઈન્ટ કમિશનર અને લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવ્યા હતા.
જસ્ટિસ એસવી ગંગાપુરવાલા અને જસ્ટિસ એસજી ડિગેની ડિવિઝન બેન્ચે બુધવારે FDAને મુંબઈના મુલુંડ વિસ્તારમાં આવેલી કંપનીની ફેક્ટરીમાંથી ત્રણ દિવસમાં તાજા સેમ્પલ લેવાનો નિર્દેશ આપ્યો હતો.આ નમૂનાઓ પછી પરીક્ષણ માટે ત્રણ પ્રયોગશાળાઓ – બે સરકારી અને એક ખાનગી – મોકલવામાં આવશે.કોર્ટે કહ્યું કે સેમ્પલ સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી (વેસ્ટર્ન રિજન), એફડીએ લેબ અને ઈન્ટરટેક લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે.