લંડન: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમને એક મોટો આંચકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર વિજય શંકર વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. જાણકારો પ્રમાણે, વિજય શંકરની એડીમાં ઈજા થઈ હતી. તેના કારણે હવે તે વિશ્વકપની બાકીની મેચો રમી શકશે નહીં.
મહત્વપૂર્ણ છે કે પ્રેક્ટિસ સેશન દરમિયાન જસપ્રીત બુમરાહનો એક ફાસ્ટ બોલ વિજય શંકરની એડી પર વાગ્યો હતો. તેના પછી તે ઠીક મહેસૂસ કરી રહ્યો ન હતો. માનવામાં આવે છે કે વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલ અથવા શ્રેયસ અય્યરને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવે તેવી શક્યતા છે.
શિખર ધવનના વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ આ ભારતીય ટીમ માટે એક મોટો આંચકો છે. શિખર ધવન બાદ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ ઈજાના કારણે રમી શકયો નથી અને હવે વિજય શંકરનું ટૂર્નામેન્ટમાંથી બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો છે. રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં વિજય શંકરને આરામ આપીને ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે વિજય શંકરના રિપ્લેસમેન્ટને ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે.
વિજય શંકરના રિપ્લેસમેન્ટ તરીકે જે ખેલાડીને ઈંગ્લેન્ડ મોકલવામાં આવી શકે છે, તેમાં કર્ણાટકના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ અને દિલ્હીના શ્રેયસ અય્યરના નામ આગળ ચાલી રહ્યા છે. મયંક અગ્રવાલે ગત વર્ષ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો હતો, પરંતુ તે હજી સુધી ભારત માટે વનડે ટીમમાંથી ડેબ્યુ કરી શક્યો નથી. તો શ્રેયસ અય્યર પણ એક શાનદાર ખેલાડી છે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપકરતા ઘણી વિસ્ફોટક ઈનિંગ રમી હતી. શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયામાં પોતાનો ડેબ્યૂ કરી ચુક્યો છે. તેણે પોતાની પહેલી વનડે મેચ શ્રીલંકાની સામે 2017માં રમી હતી અને ફેબ્રુઆરી-2018માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આખરી વનડે મેચ રમી હતી. ટીમ ઈન્ડિયા માટે હજી સુધી શ્રેયસ અય્યર 6 વનડે મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 42 રનની સરેરાશથી 201 રન બનાવ્યા છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ વિજય શંકર સંદર્ભે જાણકારી આપતા કહ્યુ છે કે જસપ્રીત બુમરાહના બોલ પર વિજયશંકરને એડીમાં ઈજા પહોંચી હતી. હજી તેની સ્થિતિ ઘણી સારી નથી અને તે વિશ્વકપની બાકીની મેચોમાં રમી શકશે નહીં. તે સ્વદેશ પાછો ફરશે.