રાજસ્થાનઃ જમીનનું વળતર નહી મળતા ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કરાયાનું ખૂલ્યું
જયપુરઃ ઉદયપુર-અમદાવાદ વચ્ચેની નવી રેલવે લાઈનને ઓઢા બ્રિજ ઉપર બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. જમીન સંપાદન મામલે 45 વર્ષ સુધી વળતર અને નોકરી નહીં મળતા આરોપીઓએ કાવતરાને અંજામ આપ્યો હતો. વર્ષ 1974-75માં રેલવે લાઈન નાખવા માટે આરોપીના પરિવાર પાસેથી 70 એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી. આરોપીઓએ રેલવે ટ્રેકના બંને તરફ 40-40 ડેટોનેટરની મદદથી બે બોમ્બ બનાવ્યાં હતા. ગુનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ ઘરે જઈને સુઈ ગયા હતા.
બ્લાસ્ટ બાદ આરોપીઓ પોતાની કામગીરી ઉપર સતત નજર રાખવા હતા. એકલિંગપુરાના ધુલચંદ્ર મીણા (ઉ.વ. 32)એ ભત્રીજા પ્રકાશ મીણા (ઉ.વ. 18) તથા અન્ય એક વ્યક્તિ સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હતો. બ્લાસ્ટ માટેની સામગ્રી વેચનાર અંકુશ સુવાલકાને પણ પોલીસે ઝડપી લીધો છે. ટ્રેન પસાર થયા બાદ ત્રણેય આરોપીઓ બાઈક લઈને રેલવે ટ્રેક ગયા હતા. રેલવે ટ્રેક ઉપર બોમ્બ પ્લાન્ટ કરીને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
વર્ષ 1974-75ના સમયગાળામાં ધૂલચંદ મીણાના પરિવાર પાસેથી રેલવે અને હિન્દુસ્તાન જીંકએ જમીન સંપાદીત કરી હતી. તેની અવેજમાં પરિવારને કોઈ વળતર કે નોકરી આપવામાં આવી ન હતી. બીજી તરફ મીણા પરિવાર વર્ષોથી રેલવે ઓફિસના ધક્કા ખાતો હતો પરંતુ કોઈ મદદ નહીં મળતા પરિવારમાં રોષ ફેલાયો હતો. આરોપી ધૂલચંદ મીણા રૂ. 25ના ભાવે 80 ડિટોનટર લાવ્યો હતો. આસપાસના વિસ્તારમાં માઈન્સની કામગીરી ચાલતી હોવાથી સરળતાથી વિસ્ફોટક મળ્યો હતો.