અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે. જેમાં આ વખતે ભાજપને ઉમેદવારોની પસંદગીના મામલે ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો છે. નારાજ બનેલા નેતાઓને સમજાવવા માટે ખૂદ કેન્દ્રિય ગૃહ મંત્રીઅમિત શાહને દોડી આવવું પડ્યુ હતું. તેમછતાં સાત જેટલા નેતાઓએ ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આથી ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે બળવો કરી 7 જિલ્લામાં 7 બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા 7 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રસાકસીભર્યો જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીને લીધે ત્રિપાંખિયો જંગ ખેલાય રહ્યો છે. આમ આદમી પાર્ટી કોને નુકશાન કરશે તે તો ચૂંટણીના પરિણામ ટાણે જ ખબર પડશે. ભાજપને તેના બળવાખોર નેતાઓ જ નડી રહ્યા છે. દરમિયાન ભાજપે 7 જિલ્લામાં 7 બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં અપક્ષ ઉમેદવારી કરનાર નર્મદા જિલ્લામાં નાંદોદના હર્ષદ વસાવા, જૂનાગઢ જિલ્લામાં કેશોના અરવિંદ લાડાણી, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના છત્રસિંહ ગુંજારિયા, વલસાડ જિલ્લામાં પારડીના કેતન પટેલ, રાજકોટ જિલ્લાના રાજકોટ ગ્રામ્યના ભરત ચાવડા અને ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના ઉદય શાહને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે.
ગુજરાતમાં ભાજપની પ્રચારનું સુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધુ છે. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. ત્યારે તેમણે એવો આશાવાદ દર્શાવ્યો હતો કે, ગુજરાતમાં આ વખતે ચોંકાવનારા પરિણામ આવશે. આ સાથે જ ગેહલોતે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે, કોરોનામાં ઘણા મૃત્યુ થયા અને આખું મંત્રીમંડળ બદલવું પડ્યું હતું, બોટાદ લઠ્ઠાકાંડમાં લોકો મૃત્યુ પામ્યા પણ કોઈ કાર્યવાહી ન થઈ. મોરબીમાં 135 લોકો મૃત્યુ પામ્યા તેમ છતાં આ સરકાર હાઈકોર્ટના રિટાયર્ડ જજ સાથે તપાસ નથી કરાવી શકતી. બેરોજગારી ખૂબ મોટો મુદ્દો છે અને સરકાર OPS પણ લાગુ નથી કરતી. અશોક ગેહલોત વિધાનસભા ચૂંટણીને લઈને કહ્યું હતું કે, અમે જે ગુજરાતમાં વચન આપ્યા છે તે પૂરા કરીશું. આ વખતે ખૂબ સારા ઉમેદવાર ઊભા રાખ્યા છે. સરકાર બનશે ત્યારે તમામ વચનો કોંગ્રેસ પૂરા કરશે.