અમદાવાદઃ કારતક મહિનો પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. એટલે કે શિયાળાના ચાર મહિનામાંથી પ્રથમ મહિનો પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે હજુ પણ ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન લોકોને ગરમીનો અહેસાસ થયા બાદ રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમજ ઠંડા અને સૂકા પવન ફૂંકાતા રાત્રે અને વહેલી સવારે ઠંડી લાગે છે. જો કે બપોર થતા જ આકરો તાપ લાગતા લોકોને દિવસ દરમિયાન બેવડી ઋતુનો અનુભવ કરવો પડી રહ્યો છે. જો કે હવે ડિસેમ્બરના પ્રારંભથી ઠંડીમાં વધારો થશે. એવું હવામાન શાસ્ત્રીઓનું માનવું છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે 2 દિવસ બાદ એક ડિગ્રી જેટલુ તાપમાન ઘટી શકે છે. અમદાવાદમાં રવિવારે 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. દરમિયાન રાજકોટ શહેરમાં ઠંડીના ચમકારા સાથે કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે, આ સાથે શહેરમાં હાલ કોરોનાના કુલ 18 દર્દીઓ સારવાર હેઠળ છે. ઠંડી વધવાની સાથે કોરોનાના કેસ વધે તેવી પણ શક્યતા છે. રાજ્યના આરોગ્ય વિભાગે નાગરિકને તાવ,શરદી,ઉધરસ,ગળું પકડાવું, શ્વાસ ચડવો,થાક કે નબળાઇ લાગવી,શ્વાસ લેવામાં તકલીફ થવી,સ્વાદ કે સુગંધનો અનુભવ ન થવો જેવા લક્ષણો વર્તાઇ રહ્યા હોય તો કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરાઇ છે.
રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફુંકાવવાનો પ્રારંભ થઈ ગયો છે. અને ઉત્તર ભારતમાં પણ ઠંડીમાં વધારો થતાં એકાદ પખવાડિયામાં ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે. લગ્નગાળાની સીઝનમાં જ ઠંડીમાં વધારો થશે.(file photo)