રાજકોટઃ સૌરાષ્ટ્રમાં તમામ મોર્કેટ યાર્ડમાં કપાસની ધૂમ આવક થઈ રહી છે.માર્કેટ યાર્ડ્સમાં પ્રતિદિન સરેરાશ ત્રણેક લાખ મણ કપાસ આવક થઈ રહી છે. જોકે જિનીંગ અને યાર્ન ઉત્પાદકોની મુશ્કેલીનો પર પાર નથી. બન્ને ઉદ્યોગ ગુજરાતમાં ડિસ્પેરિટીની ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ રૂના ઉત્પાદનનો અંદાજ 344 લાખ ગાંસડીનો અંદાજ છે પરંતુ માગનો અભાવ, કપાસના ઊંચા ભાવ અને ડિસ્પેરિટીને લીધે સિઝનનો પ્રથમ ત્રિમાસિક ગાળો નબળો ઠરે તેમ જણાય છે. નિકાસ મોરચે 110 સેન્ટના ભાવથી વિશ્વ બજારમાં જિનર્સ ઊભા રહી શકે તેમ નથી. પાકિસ્તાનનું રૂા. 90.92 સેન્ટમાં, ચીનનું 86-87 સેન્ટમાં વેચાય છે. આવી વિષમ સ્થિતિમાં ભારત નિકાસ કરવા અસમર્થ છે. જાન્યુઆરી સુધી નિકાસ મોરચે સૌથી સારો સમય રહેતો હોય છે, પણ અત્યાર સુધી નિકાસ નહીવત રહી છે એટલે મુશ્કેલી વધી છે. કપાસ ખરીદીને રૂ બનાવવામાં અસમાનતા છે એટલે જિનોને મુશ્કેલી પડી રહી છે. યાર્નમાં પણ આવી જ હાલત છે તો બીજી તરફ ટેક્સટાઇલની માગ પણ ઓછી છે.
સૌરાષ્ટ્ર જિનર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 680 જિનીંગ મિલો સક્રિય છે અને કામકાજ કરી શકે એમ છે, પણ અત્યારે બધાને ચલાવવામાં વધુ પડતો ખર્ચ થતો હોવાથી ફક્ત 280 જેટલી જિનોમાં ગાંસડી બંધાય છે. કપાસ યાર્ડ કે ગામડેથી ખરીદીને રૂ બનાવીએ તો ખાંડીએ રૂા. 2000-2200 ગુમાવવા પડે છે. આ સંજોગો ઉદ્યોગ માટે સારાં નથી. ખેડૂતો પાસેથી કપાસ ઉંચા ભાવે મળી રહ્યો છે, પણ સામે ગાંસડીના ભાવ મળતા નથી એટલે તકલીફ છે. કપાસમાં ઉતારાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે, પણ એકંદરે ગુણવત્તા ખૂબ સારી છે. બે અઢી માસનો સમય જતો રહ્યો છે, હવે પડતર બેસે નહીં તો મુશ્કેલી વધશે. કપાસ ઘટે કે યાર્નના ભાવ સુધરે તો જ જિનીંગ ઉદ્યોગની મુશ્કેલી હળવી બની શકે તેમ છે.