દિલ્હી:તિહાડમાં બંધ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની સ્પેશિયલ ફૂડ આપનારી અરજી પર આજે રાઉવ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સુનાવણી દરમિયાન કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.અરજીમાં સત્યેન્દ્ર જૈને જેલમાં ડ્રાય ફૂટસ અને ફળો આપવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. સત્યેન્દ્ર જૈન વતી, તેમના ધાર્મિક ઉપવાસના કારણે, ખાસ ભોજનની માંગ કરવામાં આવી હતી.ગયા શુક્રવારે પણ આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સત્યેન્દ્ર જૈને આરોપ લગાવ્યો હતો કે,જેલમાં તેમને સામાન્ય ભોજન અને તબીબી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી.અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે,31 મેના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડના દિવસથી તેઓ જૈન મંદિરમાં જઈ શકતા નથી.જૈન ધર્મના કટ્ટર અનુયાયી હોવાને કારણે તેઓ ધાર્મિક ઉપવાસ કરે છે, પરંતુ તેમને રાંધેલો ખોરાક, કઠોળ, અનાજ અને દૂધની બનાવટો આપવામાં આવતી નથી.
એવો દાવો કરવામાં આવ્યો છે કે,તેઓ જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરતા હતા.તે જ સમયે, જેલ પ્રશાસને આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કોર્ટને કહ્યું હતું કે,સંબંધિત વહીવટીતંત્ર કોઈપણ કેદીને વિશેષ સુવિધાઓ આપે તેવી અપેક્ષા રાખવી ખોટી છે.જેલ પ્રશાસને દાવો કર્યો હતો કે,તમામ કેદીઓને પૌષ્ટિક અને સંતુલિત ખોરાક આપવામાં આવે છે અને જાતિ-ધર્મના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી.
જૈનની CBI દ્વારા 2017માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમની સામેના કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.17 નવેમ્બરે કોર્ટે જૈનને આ કેસ અને અન્ય બે કેસમાં જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.સત્યેન્દ્ર જૈન પર આરોપ છે કે,તેમની સાથે કથિત રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ કર્યું હતું.