PCIના ચીફ રમિઝ રઝાનો ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડકપના નામે BCCIને ડરાવવાનો પ્રયાસ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો તંગ બન્યાં છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તમામ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુક્યાં છે. એટલું જ નહીં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પણ ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ ગોઠવતું નથી, જો કે, દુનિયાના અન્ય દેશના મેદાનમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ટીમ સામે ટકરાવવા તૈયાર છે. બીસીસીઆઈએ પાકિસ્તાનમાં રમાનાર એશિયા કપમાં ભાગ નહીં લેવાની ઈચ્છા વ્યક્ત કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન પીસીબીના ચીફ રમિઝ રાઝાએ ટીમ ઈન્ડિયાને ભીંસમાં લેવા માટે આગામી વર્ષોમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
રમિઝ રઝાએ કહ્યું કે, “જો પાકિસ્તાનની ટીમ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં નહીં રમે તો, જોઈએ કે આ ટૂર્નામેન્ટ કોણ જોવા જશે છે. અમારું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે કે જો ભારતીય ક્રિકેટ ટીમ અહીં પાકિસ્તાનમાં રમશે તો જ અમે ભારત જઈશું અને વર્લ્ડ કપ રમીશું. જો તેઓ અહીં નહીં આવે તો તેઓ અમારા વિના વર્લ્ડ કપ રમી શકે છે. અગાઉ ભારતે સ્પષ્ટ કર્યું છે કે, ટીમ કોઈપણ ભોગે એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.
થોડા દિવસો પહેલા BCCIના સચિવ જય શાહે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રઝાને સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય. તેને તટસ્થ સ્થળે કરાવવાનું વિચારી શકાય. આ નિવેદન બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. રમિઝ રઝાએ વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સુધારવાની જરૂર છે અને આ ત્યારે જ શક્ય બની શકે છે, જ્યારે આપણું પ્રદર્શન સારું હોય. અમે વર્ષ 2021ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હરાવી હતી. આ પછી, અમે એશિયા કપ T20 માં પણ ભારતીય ટીમને હરાવી છે. એક વર્ષમાં અમે અબજ ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતા દેશને બે વાર હરાવવાનું અદ્ભુત કામ કર્યું છે.