મધ્યપ્રદેશઃ ભારત જોડો યાત્રામાં જોડાયેલા પ્રિયંકા ગાંધીએ કાર્યક્રમમાં ફેરફાર થયો
ભોપાલઃ મધ્યપ્રદેશમાંથી હાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પસાર થઈ રહી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા. તેમજ તેઓ ચાર દિવસ આ યાત્રામાં સામેલ થવાના હતા જો કે, આજે અચાનક તેમના કાર્યક્રમમાં ફેરફાર થતા બે દિવસ બાદ આજે શનિવારે પ્રિયંકા ગાંધી દિલ્હી જવા રવાના થયા હતા.
દક્ષિણ ભારતથી શરૂ થયેલુ ભારત જોડા યાત્રા હાલ મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. દરમિયાન પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં જોડાયાં હતા. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રિયંકા ગાંધી ચાર દિવસ મધ્ય પ્રદેશમાં રહેશે. ત્યારબાદ અચાનક કાર્યક્રમ બદલાયો અને શનિવારે સવારે પ્રિયંકા તેના પતિ રોબર્ટ વાડ્રા સાથે દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.
રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી શુક્રવારે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ ગયા હતા. અહીં રાહુલ અને પ્રિયંકાએ સાથે મળીને પૂજા કરી અને સમગ્ર પરિવાર સાથે રહેવાનો અને સોફ્ટ હિંદુત્વ તરફ કોંગ્રેસના વધતા ઝુકાવનો સંદેશ આપ્યો હતો. આખી મુલાકાત દરમિયાન પ્રિયંકાએ કોઈ રાજકીય નિવેદન આપ્યું ન હતું અને ન તો તેણે રાહુલ સાથે સ્ટેજ શેર કર્યું હતું. પ્રિયંકાએ ઓમકારેશ્વરમાં એટલું જ કહ્યું હતું કે તેને આખા પરિવાર સાથે નર્મદાના દર્શનનો આનંદ આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં અત્યાર સુધીમાં પુજા સહિત અનેક ફિલ્મ કલાકારો પણ યાત્રામાં જોડાયા હતા અને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ યાત્રામાં જોડાયાં હતા.