ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, સરેરાશ 57.75 ટકા મતદાન
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકોની ચૂંટણી આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ચૂંટણીમાં સરેરાશ 57.75 ટકા મતદાન થયું હતું. જો કે હજુ ચૂંટણી પંચ દ્વારા સત્તાવારરીતે મતદાનના આંકડા જાહેર કરાયા નથી તેથી મતદાનની ટકાવારીમાં એક-બે ટકાની વધઘટ થઈ શકે છે. પ્રાથમિક અહેવાલો મળ્યા તે મુજબ અમરેલી જિલ્લામાં 52.73 ટકા, ભરૂચ જિલ્લામાં 59.36 ટકા, ભાવનગર જિલ્લામાં 51.34 ટકા, બોટાદ જિલ્લામાં 51.64 ટકા, ડાંગ જિલ્લામાં 64.84 ટકા, દેવભૂમિ દ્વારકામાં 59.11 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 60.46 ટકા, જામનગર જિલ્લામાં 53.98 ટકા, જુનાગઢ જિલ્લામાં 52.04 ટકા, કચ્છમાં 54.52 ટકા, મોરબી જિલ્લામાં 56.20 ટકા, નર્મદા જિલ્લામાં 68.09 ટકા, નવસારી જિલ્લામાં 65.91 ટકા, પોરબંદર જિલ્લામાં 53.84 ટકા, રાજકોટ જિલ્લામાં 51.66 ટકા, સુરત જિલ્લામાં 57.16 ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં 58.14 ટકા, તાપી જિલ્લામાં 72.32 ટકા, અને વલસાડ 62.46 ટકા આમ સરેરાશ 57.75 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણીનું કાર્ય શાંતિપૂર્ણ સંપન્ન થયુ હતું. અને કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નહતો. સવારે મતદાન ધીમું હતું, પણ બપોરે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. સાંજે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. પહેલા તબક્કાનું અંદાજિત 57.75 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 ટકા જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 64 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 10 ટકા જેટલું ઓછુ મતદાન થયું છે. મતદારોએ મતદાનમાં રસ ન દાખવતા ઉમેદવારો દોડતા થયા હતા. ઉમેદવારોએ મતદાન કરવા રેકોર્ડેડ ફોન કોલનો મારો ચલાવ્યો હતો. એક વ્યક્તિને ત્રણ ત્રણ કોલ કર્યા હતા. નવસારી જિલ્લાની વાંસદા બેઠક પર વાટી ગામના લોકો અંબિકા નદી પર પૂલ ન બનતા મતદાનથી અળગા રહ્યા હતા. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 700 મતમાંથી એકપણ મત પડ્યો નહોતો. આ ઉપરાંત જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકમાં આવતા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઉભું કરવામાં આવતું હતું. પરંતુ, આ ચૂંટણીમાં અલગ બૂથની વ્યવસ્થા ન થતા નારાજ થયેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યાં સુધીમાં ગામમાં એકપણ મત પડ્યો નહતો. તેમજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભાના વાલિયા તાલુકાના કેસર ગામના ગ્રામજનોએ મતદાન જ કર્યું નહતું. મતદારોએ પ્રાથમિક સુવિધાના અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તંત્રએ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ગ્રામજનો માન્ય નહોતા.