દેશમાં એક મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો
નવી દિલ્હીઃ દેશમાં નવેમ્બર મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધયાત્ર વધારો થયો છે. જ્યારે ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ સામાન્ય ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનો ઓટોમોબાઈલ કંપનીઓ માટે અત્યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો સાબિત થયો છે. મજબૂત માંગને કારણે આ સમયગાળા દરમિયાન રેકોર્ડ વાહનોનું વેચાણ થયું હતું. ફોર વ્હીલનું વેચાણ બે આંકડામાં વધ્યું છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિનું જથ્થાબંધ વેચાણ 14 ટકા વધીને 1.59 લાખ યુનિટ થયું હતું. સ્થાનિક બજારમાં કંપનીએ 1,39,306 વાહનોનું વેચાણ કર્યું હતું, જે ગયા નવેમ્બરમાં વેચાયેલા 1,17,791 એકમોથી 18 ટકા વધુ હતું. આ સમયગાળા દરમિયાન અન્ય એક જાણીતી કંપનીની કારનું કુલ વેચાણ 36 ટકા વધીને 64004 યુનિટ થયું છે. સ્થાનિક બજારમાં વેચાણ 30 ટકા વધીને 48003 યુનિટ થયું છે.
મળતી માહિતી મુજબ તહેવારોની સિઝન હોવા છતાં ટુ-વ્હીલરના વેચાણની દૃષ્ટિએ છેલ્લો મહિનો ખાસ રહ્યો ન હતો. જાણીતી મોટર કંપનીના ટુ-વ્હીલરનું વેચાણ નવેમ્બરમાં 2 ટકા વધીને 2.77 લાખ યુનિટ થયું છે. નવેમ્બર 2021માં વેચાણનો આંકડો 2.72 લાખ હતો. જો કે, અન્ય એક જાણીતી કંપનીના વાહનનું વેચાણ 3,79 લાખ યુનિટથી ઘટીને 3.07 લાખ યુનિટ થયું છે. કોમર્શિયલ વાહનોના વેચાણમાં વૃદ્ધિ છે. એક કંપનીના કોમર્શિયલ વાહનોનું વેચાણ નવેમ્બરમાં 39 ટકા વધીને 14561 થયું હતું. EV કોમર્શિયલ વ્હિકલ્સના વાહનોનું વેચાણ 20 ટકા વધીને 4903 યુનિટ થયું હતું.