કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને ’24 કેરેટ દેશદ્રોહી’ ગણાવતા, કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, આવા નેતાઓ માટે પાર્ટીમાં પાછા ફરવાનો કોઈ અવકાશ નથી. સિંધિયા માર્ચ 2020 માં કોંગ્રેસ પાર્ટી સાથેના સંબંધો તોડીને ભાજપમાં જોડાયા હતા. રમેશે કહ્યું, “સિંધિયા દેશદ્રોહી છે, સાચો દેશદ્રોહી છે અને 24 કેરેટનો દેશદ્રોહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કપિલ સિબ્બલ જેવા લોકોને, જેમણે પાર્ટી છોડ્યા પછી ‘ગૌરવપૂર્ણ મૌન’ જાળવી રાખ્યું છે, તેમને કોંગ્રેસમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા અથવા હિમંતા વિશ્વ શર્મા જેવા લોકોને નહીં.” જો કોઈ પક્ષપલટો કરનાર કોંગ્રેસમાં પાછા ફરવા માંગે તો પક્ષનું વલણ શું હશે તે અંગે પૂછવામાં આવતા રમેશે કહ્યું, “મને લાગે છે કે જેઓએ કોંગ્રેસ છોડી દીધી છે તેમને પાછા ફરવાની તક આપવી જોઈએ નહીં.”
તેમણે કહ્યું, “કેટલાક લોકો એવા છે કે જેમણે પાર્ટી છોડી દીધી છે, તેઓ અપશબ્દો બોલી રહ્યા છે, તેથી તેમને પાછા ન લેવા જોઈએ. જો કે, કેટલાક એવા પણ છે કે જેમણે પાર્ટીથી છોડી તથા કોંગ્રેસ અને તેના નેતૃત્વ વિશે ગૌરવપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે. રમેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ પદયાત્રા મધ્યપ્રદેશના અગર માલવામાં પ્રવેશી હતી.
તેમણે કહ્યું, “હું મારા ભૂતપૂર્વ સાથીદાર અને ખૂબ સારા મિત્ર કપિલ સિબ્બલ વિશે વિચારી શકું છું, જેમણે કોઈ કારણસર પાર્ટી છોડી દીધી હતી, પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા અને હેમંત વિશ્વ શર્માથી વિપરીત, તેમણે કોંગ્રેસ પાર્ટી વિશે ખૂબ જ ગૌરવપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે” રમેશે કહ્યું, “તેથી મને લાગે છે કે જે નેતાઓએ ગરિમા જાળવી રાખી છે તે નેતાઓને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ જેઓએ પાર્ટીથી અલગ થઈને તેની અને તેના નેતૃત્વ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે, તેમને પાછા ફરવાની તક નહીં મળે.”