અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી 5મી ડિસેમ્બરે યોજાશે, આ ચૂંટણી માટે આજે શનિવારના સાંજના પાંચ વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત પડવાના હોવાથી તમામ પક્ષોએ મતદારોને રિઢવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. દરમિયાન AIMIMના વડા ઔવસી ચૂંટણી પ્રચાર માટે શાહપુર વિસ્તારમાં પગપાળા પ્રચાર માટે નિકળ્યા હતા. ત્યારે મુસ્લિમ સમાજે કાળા વાવટા ફરકાવીને ગો-બેકના નારાં લગાવીને ભારે વિરોધ કર્યો હતો. મુસ્લિમ સમાજના કેટલાક યુવાનોએ ઔવસીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ઔવસીની પાર્ટી મુસ્લિમ મતદારોનું વિભાજન કરાવીને ભાજપને લાભ અપાવી રહી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયા બાદ હવે બીજા ચરણની ચૂંટણીમાં હવે બે દિવસ બાકી છે. ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીના પડઘમ શાંત પડે તે પહેલા મતદારોને રિઝવવા રેલીઓ અને સભાઓ યોજી હતી, અમદાવાદમાં AIMIMના ઓવૈસી અને જમાલપુર-ખાડીયાના ઉમેદવાર સાબીર કાબલીવાલા અલગ અલગ વિસ્તારમાં પગપાળા પ્રચાર માટે નીકળ્યા હતા. પરંતુ શાહપુર મિલ કમ્પાઉન્ડમાં મુસ્લિમ વોટર્સ દ્વારા કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓવૈસી “GO BACK”ના નારા લગાવીને લોકોએ કાળા વાવટા દેખાડ્યા હતા આ સાથે ઓવૈસી “GO BACK”ના બોર્ડ લાગ્યા હતા. જોક, આ અગાઉ પણ ગોધરામાં ઓવૈસીની પાર્ટી AIMIMનો આ પ્રકારે જ વિરોધ કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં અસદુદ્દીન ઓવૈસી અને જમાલપુર ખાડીયાના ઉમેદવાર સાબીર કાબલીવાલા અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કરવા પગપાળા નીકળ્યા હતા. તે દરમિયાન શાહપુર મિલ કમ્પાઉન્ડમાં મુસ્લિમ સમાજના સ્થાનિકો લોકો દ્વારા કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓવૈસી “GO BACK”ના નારા લગાવતા ઔવસીને વિલા મોઢે તે વિસ્તાર છોડવાની ફરજ પડી હતી. બીજા તબક્કની ચૂંટણીનો છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો હતો, ત્યારે દરેક પક્ષ કોઈપણ ઘર્ષણમાં ઉતરવાની જગ્યાએ પોતાનો પ્રચારને આગળ વધારવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, થોડા સમય પહેલાં AIMIM પાર્ટીના બાપુનગરના ઉમેદવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. ત્યારથી AIMIMમાં ક્યાંકને ક્યાંક અસંતોષ જોવા મળતો હતો અને આજે જમાલપુર-ખાડિયા વિધાનસભામાં સાબીર કાબલીવાલા જ્યારે પ્રચારમાં નીકળ્યા ત્યારે તેમને પણ કેટલીક જગ્યાએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે. કારણ કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે રસાકસીનો જંગ છે. એવામાં આ વખતની ચૂંટણીમાં ઓવૈસીની AIMIM પાર્ટી દ્વારા 14 ઉમેદવારો સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં માંડવી બેઠક પર એડવોકેટ મહમદ ઇકબાલ માંજાળીયા, ભૂજ બેઠક પર સકીલ મહમદ, સૂરત પૂર્વ બેઠક પર વસીમ ઇકબાલ ખોકર, ખંભાળિયા બેઠક પર બુખારી યાકુબ મોહમ્મદ, માંગરોળ બેઠક પર સુલેમાન પટેલ, લિંબાયત બેઠક પર અબ્દુલ બશીર શેખ, ગોધરા બેઠક પર હસન શબ્બીર કાચબા, વેજલપુર બેઠક પર ઝૈનબ શેખ, દરિયાપુર બેઠક પર હસનખાન સમશેરખાન પઠાણ, જમાલપુર-ખાડિયા બેઠક પર સાબીર કાબલીવાલા, દાણીલીમડા બેઠક પર કૌશિકાબહેન પરમાર, વડગામ (SC) બેઠક પર કલ્પેશ સુંધીયા અને સિધ્ધપુર બેઠક પર અબ્બાસ મોહમ્મદશરીફ નોડસોલાને ટિકિટ આપી છે. આમ પહેલીવાર પૂરી તૈયારીઓ સાથે AIMIMએ વિધાનસભા ચૂંટણીમાં 14 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે, જેમાં બે હિન્દુ અને 12 મુસ્લિમને ટિકિટ આપી છે. આ 14 બેઠકમાંથી હાલ કોંગ્રેસ પાસે 8 અને ભાજપ પાસે 6 સીટ છે.