દહેગામની મધુવન સોસાયટીમાં પાણીનો કકળાટ, મહિલાઓએ પાલિકાની કચેરીએ જઈને માટલાં ફોડ્યાં
ગાંધીનગરઃ દહેગામ શહેરની મધુવન સહિત આવપાસની સોસાયટીઓમાં પાણી, સફાઈ અને લાઈટના પ્રશ્નોનું પાલિકાના સત્તધિશોને રજુઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા સોસાયટીની મહિલાઓએ નગરપાલિકા કચેરી જઈને ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરી માટલાં ફોડ્યાં હતાં. મધુવન સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પાણી, સફાઈ અને લાઈટના પ્રશ્ન છે. પણ સત્તાધિશો દ્વારા કોઈ ઉકેલ ન લવાતા મહિલાઓ વિફરી હતી.
દેહગામ નગરપાલિકાના સત્તાધિશો લોકોના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે પણ નિષ્ક્રિય હોવાથી લોકોમાં અસંતોષ જાગ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કામ કરવામાં નહીં આવતા રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મધુવન સહિતની સોસાયટીની મહિલાઓ નગરપાલિકામાં આવીને માટલાં ફોડ્યાં હતાં અને ઘણા સમયથી નગરપાલિકામાં અરજીઓ આપવા છતાં નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને જવાબદારો કોઈપણ વાતને ધ્યાનમાં નહીં લેતા ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી માહોલ છે, 5 ડિસેમ્બરે મતદાન છે, ત્યારે દહેગામમાં પાણીના પ્રશ્ને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મહિલાઓએ માટલા ફોડ્યા હતા. દહેગામ શહેરની મધુવન સોસાયટીની મહિલાઓ પાણી, સફાઈ અને લાઈટના પ્રશ્નો અંગેનું નિરાકરણ નહીં આવવાથી રણચંડી બની દહેગામ નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચી હતી.
મહિલાઓનું કહેવું હતું કે, મધુવન સોસાયટી ખાતે છેલ્લા ઘણા સમયથી પાણી, સકાઈ અને લાઈટના પ્રશ્ન છે. નગરપાલિકામાં અરજીઓ આપવા છતાં નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને જવાબદારો કોઈપણ વાતને ધ્યાનમાં લીધી નથી. આ અંગે અનેકવાર લેખિક તેમજ મૌખિક રજુઆતો કરી છે. સોસાયટીઓમાં પાણી પુરા ફોર્સથી મળતુ નથી. સોસાયટીની આસપાસ સફાઈ પણ થતી નથી.