ગુજરાત ચૂંટણી: વડાપ્રધાને મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી
અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ચાલી રહેલ મતદાનને ધ્યાનમાં રાખીને મતદારોને મોટી સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.”હું ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરનારા તમામ લોકોને, ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું,” તેમણે ટ્વિટ કર્યું. વડાપ્રધાને કહ્યું કે તેઓ અમદાવાદમાં મતદાન કરશે.
નોંધનીય છે કે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.અને સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.આ તબક્કામાં 69 મહિલાઓ સહિત કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.બંને તબક્કાના મતદાનની ગણતરી ગુરુવારે એટલે કે 8 ડિસેમ્બરે થશે.
ચૂંટણી પંચે ચૂંટણી સુચારૂ સંપન્ન થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી લીધી છે.મતદાન માટે 26 હજારથી વધુ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.આ તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાત મંત્રીઓ સહિત અનેક અગ્રણી નેતાઓના રાજકીય ભાવિનો ફેંસલો થશે.ભાજપના અન્ય નેતાઓમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં છે.
કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અને જિજ્ઞેશ મેવાણી, આમ આદમી પાર્ટીના ભરત સિંહ વાખલા અને ભીમાભાઈ ચૌધરી પણ આ તબક્કામાં ઉમેદવાર છે.