કચ્છના સરહદી વિસ્તાર ખાવડાથી 28 કિ.મી દૂર 3.2ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો, લોકોમાં ફફડાટ
ભૂજઃ કચ્છમાં અવાર-નવાર હળવા ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. જેમાં ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી 28 કિલોમીટર દૂર પાકિસ્તાન બાજુના દુર્ગમ વિસ્તારમાં ધરતીકંપનો આંચકો ગાંધીનગરની ગુજરાત સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઈટમાં દર્શાવાયો છે. ભૂંકપ ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા સમયાંતરે આવતા જ રહે છે. મોટા ભાગના આંચકા બપોર પહેલાના સમયગાળા દરમિયાન નોંધાયા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં હાલ ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને અનુભવ થઈ રહ્યો છે. નલિયા સિવાય શિયાળાની ઠંડીએ હજુ સુધી જોઈએ તેવી પકડ જમાવી નથી ત્યારે ભૂંકપના આંચકાએ જરૂર હાજરી નોંધાવી દીધી છે. આજે સોમવારની પરોઢે 4.17 કલાકે ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી 28 કિલોમીટર દૂર પાકિસ્તાન બાજુના દુર્ગમ વિસ્તારમાં 3.2ની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો ગાંધીનગર સ્થિત (ISR) ગુજરાત સિસ્મોલોજીકલ રિસર્ચ સ્કેલમાં નોંધાયો હતો. જોકે આ કચેરી તરફથી જાહેર કરાયેલી વિગતમાં આફ્ટરશોકની તિવ્રતા 2.6 દર્શાવાઇ છે. તેથી આંચકાની તિવ્રતા માટે અસંગતતા સર્જાતી જોવા મળી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભૂંકપ ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા સમયાંતરે આવતા રહે છે. એક માસ પૂર્વે 31 ઓક્ટોબરના સવારે 9.38 કલાકે 3.1નો આંચકો નોંધાયો હતો. તેના એક દિવસ પહેલા તા. 29 ઓક્ટોબરના પણ 3.2ની તિવ્રતાનો આફ્ટરશોક સવારે 8.19 કલાકે રિકટર સ્કેલ પર નોંધાયો હતો. આ જ માસની તા. 19ના સવારે 10.10 વાગ્યે 3.6ની તિવ્રતા ધરાવતો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયો હતો. આમ એક માસના અંતરાલ બાદ ફરી આજે ધરતીકંપના આંચકાએ પોતાની હાજરી પુરાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા માસ દરમિયાન આવેલા મોટા ભાગના આંચકા (AM) બપોર પહેલાના સમયગાળા દરમ્યાન નોંધાયા છે. મહત્વનું છે કે વર્ષ 2001ની 26 જાન્યુઆરીના આવેલો મહાભૂંકપ પણ સવારે 8.46ના અરસામાં આવ્યો હતો.