અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી સોમવારે એકંદરે શાંતિપૂર્ણરીતે સંપન્ન થઈ, તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. અને તા. 8મી ડિસેમ્બરે મતગણતરી થશે ત્યારે જ કોણ હાર્યુ કોણ જીત્યું એની ખબર પડશે. હાલ તો મતદાન પૂર્ણ થયા બાદ તમામ રાજકીય પક્ષો બેઠક વાઈઝ સમીક્ષા કરી રહ્યા છે. અમદાવા જિલ્લાની પાચ બેઠકોની ચૂંટણીમાં ગત ચૂંટણીની તુલનાએ ઘટાડો થયો છે. એટલે અણધાર્યા પરિણામ આવે તો નવાઈ નહીં ગણાય, જો કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જીત મેળવવાના દાવા કરી રહી છે.
અમદાવાદ જિલ્લાની પાંચ બેઠક પર સરેરાશ ગત વખત કરતા મતદાન થયુ છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 66.69% મતદાન થયું હતું. વિધાનસભાની યોજાયેલી ચૂંટણીના મતદાનમાં ચૂંટણી પંચ દ્વારા આ વર્ષે વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો હતો.જેમાં સખી બુથ બનાવવામાં આવ્યા હતા.આ સખી બુથમાં તમામ કામ કરતાં કર્મચારીઓ મહિલા કર્મચારીઓ જ હતા.બાવળામાં 2 સખી બુથ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં એક નગર પ્રાથમિક સ્કુલમાં અને બીજુ નગરપાલિકામાં બુથ ઊભુ કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક સ્કુલમાં સખી બુથનાં મહીલા કર્મચારીઓ માથે સાફા પહેરીને કામગીરી કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ દસ્ક્રોઈ અને ધંધુકામાં ભાજપ જીતે તેવી શક્યતા છે. જ્યારે ધોળકા અને વિરમગામ અને સાણંદમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કસોકસની હરિફાઈ છે. આમ આદમી પાર્ટીએ કોના કેટલા મત બગાડ્યા તેના પર હારજીતનું ગણિત મંડાઈ રહ્યું છે. વિરમગામમાં ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે સામે પાટિદાર આંદોલન સમિતિ દ્વારા જ બેનરો લગાવીને વિરોધ કર્યો હતો. એટલે પાટિદાર મતોનું વિભાજન થવાની શક્યતા છે. જ્યારે આંમ આદમી પાર્ટીએ ઠાકોર સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. એટલે ઠાકોર સમાજના મત જે કોંગ્રેસને મળતા હતા એમાં વિભાજન થયું છે. એટલે વિરમગામની બેઠક પર કોઈ પાર્ટી કહી શકે તેમ નથી કે અમે જીતીશું. હાલ ભર્યા નાળિયેર જેવી સ્થિતિ છે.