કચ્છમાં સંભવિત વાવાઝોડ સામેના સાયક્લોન રિસ્પોન્સ પ્રોજેક્ટને સાકાર કરવામાં તંત્ર નિષ્ક્રિય
ભુજઃ ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો કચ્છ ગણાય છે. 350 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતા કચ્છમાં 1998 અને 1999ની સાલમાં વિનાશકારી વાવાઝોડાંની થપાટ ખાધી હતી. તત્કાલિન સમયે કુદરતી આપત્તિમાંથી બોધપાઠ લઈને કચ્છમાં સાયકલોન રિસ્પોન્સ પ્લાન બનાવવાનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરાયો હતો. કોઈ રાજયમાં જિલ્લાકક્ષાએ આ પ્રકારનો પ્લાન બનતો હોય તેવું પ્રથમવાર બન્યું હતું પણ આ પ્રોજેકટ આગળ વધે તે પહેલાં જ અંતરાયો આવવાનું શરૂ થતાં હાલ આ પ્રોજેકટ આંટીઘુંટીમાં એવો તો અટવાયો છે કે આ ગુંચ કયારે ઉકેલાશે તે એક મોટો સવાલ બની ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં સંભવિત વાવાઝોડની સ્થિતિનો સમનો કરવા માટે સાયક્લોન રિસ્પોન્સ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. પરંતુ આ આખાયે પ્રોજેકટનું મોનિટરીંગ કરવાનું છે એ આપત્તિ વ્યવસ્થાપન વિભાગનું કાર્ય પણ મોટાભાગે ઈન્ચાર્જના હવાલે હોવાથી સ્થિતિ થોડી વધુ કઠીન બનતી દેખાઈ રહી છે. વાવાઝોડાંની સ્થિતિ ઉદભવે ત્યારે તેનો કઈ રીતે સામનો કરવો તેની સચોટતાભરી માહિતી આપવા માટે સાયકલોન રિસ્પોન્સ પ્લાન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે આ પ્રોજેકટમાં આરંભે શુરાનો તાલ સર્જાયો હોય તેમ રિસ્પોન્સ પ્લાન પા પા પગલી કરતો આગળ ધપી રહયો હતો ત્યાંજ કોરોના મહામારી આવી જતાં સ્થગિત થઈ ગયેલી કામગીરી હજુ પૂર્ણપણે પાટે ચડી હોય તેવું દેખાતું નથી. સૂત્રોએ ઉમેર્યું હતું કે કચ્છનો આ પ્રોજેકટ વાસ્તવિક રૂપમાં સાર્થક થશે કે કેમ તે પણ એક મોટો સવાલ બની રહયો છે. સાયકલોન રિસ્પોન્સ પ્લાન અંતર્ગત વાવાઝોડાં પૂર્વે, વાવાઝોડાં સમયે અને ત્યારબાદ કરવાની થતી રાહત બચાવ કામગીરીનું ચાર અલગ અલગ કોડમા વિભાજન કરી વાવાઝોડાંની સ્થિતિની આગોતરી માહિતી મળે તે માટે જિલ્લાની ફિશીંગ લેન્ડિંગ સાઈટ પર અર્લિ વોર્નિંગ સાયરન લગાવવાનું આયોજન ઘડાયું હતું. જોકે હવે સાયકલોન રિસ્પોન્સ પ્લાન પૂર્ણતા ભણી આગળ ધપશે કે કેમ તેવા અનેક સવાલોની હારમાળા સર્જાતી દેખાઈ રહી છે. જેમના નિરીક્ષણ હેઠળ આ કાર્ય આગળ ધપવાનું હતું એ ડિઝાસ્ટર મામલતદાર અને ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફિસરની જગ્યા પણ ઈન્ચાર્જના શીરે હોવાથી પ્રોજેકટ પર જોઈએ તેટલું ધ્યાન કેન્દ્રીત ન કરી શકાતું હોવાનું જણાઈ રહ્યું છે.