પોરબંદર જિલ્લામાં રવિપાકનું વાવેતર 1,16,075 હેકટરમાં થયું, ગત વર્ષ કરતા વાવેતરમાં વધારો
પોરબંદરઃ જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું મબલખ ઉત્પાદન થયું હતુ. હવે ખેડુતોએ રવિ પાકનું લગભગ વાવેતર પૂર્ણ કરી દીધુ છે. જિલ્લામાં 116075 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં 45440 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 11240 હેટકર શિયાળુ પાકનું વધુ વાવેતર નોંધાયું છે. હજુ જાન્યુઆરી સુધી શિયાળુ પાકનું વાવેતર થશે.
પોરબંદર જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં આ વખતે પણ ગત ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. મેઘરાજાએ મહેર વરસાવતા નદી નાળા અને ડેમો છલકાઈ ગયા હતા. ચોમાસા બાદ વરાપ નીકળતા ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર શરૂ કર્યું છે. પોરબંદર જિલ્લામાં ખાસ કરીને ઘેડ વિસ્તારમાં ચણાના પુષ્કળ વાવેતર વધુ થાય છે. આ ઉપરાંત જુવાર, મકાઈ, ઘાણા, જીરું, શાકભાજી, ઘાસચારો સહિતનું શિયાળુ પાકનું વાવેતર થાય છે. હાલની સ્થિતિએ એટલેકે તા. 3 /12/2022 ની સ્થિતિ મુજબ પોરબંદર જિલ્લામાં પ્રથમ અત્યાર સુધીમાં કુલ 116075 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં 45440 હેક્ટરમાં ચણાનું વાવેતર થઇ ચૂક્યું છે. ગત વર્ષે તા. 4/12/21 ની સ્થિતિએ જિલ્લામાં કુલ 98835 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું હતું. એટલેકે આ વખતે તા. 3/12/22 સુધીમાં જિલ્લામાં 11240 હેક્ટરમાં શિયાળુ પાકનું વધુ વાવેતર નોંધાયું છે. આગામી જાન્યુઆરી સુધી શિયાળુ પાકનું વાવેતર થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સારા વરસાદને કારણે બોર-કૂવામાં પાણીના તળ ઊંચા આવ્યા છે. એટલે રવિ સીઝનમાં સિંચાઈ માટે કોઈ અગવડ પડે તેમ લાગતું નથી. તેથી રવિ પાકનું સારૂએવું વાવેતર થયુ છે.